ધર્મની આડમાં લે - ભાગું તત્વો દ્વારા ચાલતા ગોરખધંધાઓ બંધ થવા જોઈએ.



જામનગર મોર્નિંગ – ખંભાળીયા 

         કપાળે તિલક લગાવીને કે હાથમાં લોબાનનું ધૂપ લઈને નીકળતો દરેક વ્યક્તિ સંત નથી હોતો. આપણી માનસિકતા બંધાઈ ગઈ છે કે, સાધુનો વેશ ધારણ કરનારને આપણે માનમર્યાદા અને ધર્મની દર્ષ્ટિએ જોઈએ છીએ. આવા બાબાઓને દેખતા જ આશીર્વાદ લેવા આંધળી દોટ મુકીએ છીએ. ત્યારે તેમના વ્યક્તિત્વની જાણકારી મેળવવી પણ જરૂરી છે.
        હાલારમાં અનેક આશ્રમો એવા પણ છે જ્યાં ભક્તિ – ભાવની અખંડ જ્યોત ચાલી રહી છે. પણ સામી સાઈડ જોઈએ તો એવા પણ અનેક આશ્રમો છે જ્યાં પોતાના અંગત સ્વાર્થ ખાતર ફક્ત આશ્રમ કે ધર્મશાળાના પાટીયા લગાવાયા છે. બાકી અંદર અનેક પ્રકારના ગોરખ ધંધાઓ ચાલી રહ્યા છે.
        હાલારના ગામડાઓની સાથે ભાણવડના બરડા ડુંગરની આસપાસ આવેલ અનેક કુટીર કે આશ્રમોમાં આવી પ્રવૃત્તિ થઇ રહી છે. જ્યાં સાધુના વેશમાં શાતીરો ગામડાના યુવાનોને બોલાવીને ગાંજા, ચરસ જેવા વ્યસનોની જાળમાં ફસાવી રહ્યા છે. આવા વ્યસનની લતે ચડ્યા બાદ વર્લી, મટકા જેવી આંકડાકીય પ્રવૃતિમાં ધકેલીને આર્થિક રીતે પાયમાલ કરવાના મોટા સ્કેન્ડલ ચાલે છે. આવી પ્રવૃત્તિ થકી હાલારના અનેક ગામડાઓને દારૂ, જુગાર અને વર્લી મટકાના અખાડા બનાવી દેવાયા છે.
        દ્વારકા જીલ્લાના ભાણવડના એક સ્થાનિક વ્યક્તિના જણાવ્યા મુજબ પોતે ગાય – ભેંસના દુધનો વ્યવસાય કરે છે. મહીને ૨૫-૩૦ હજાર જેટલી કમાણી દૂધ માંથી કરે છે જે કમાણી માંથી ૧૦ - ૧૫ હજાર મહીને ઘાસ તેમજ ખોળ ખરીદવામાં ખર્ચ થાય છે બાકીના વધતા રૂપિયા માંથી પોતાના કુટુંબનું ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે તેમનો ૨૫ વર્ષનો દીકરો અહીના એક આશ્રમના બાબા સાથેની ઉઠક બેઠક બાદ ગાંજાના રવાડે ચડ્યો અને સતત બાબાના આશ્રમમાં પડ્યો પાથર્યો રહે છે. અને મહીને આવતા દુધના હિસાબના નાણા પણ પોતે આવા વ્યસનમાં ઉડાવી દે છે. જેથી પોતાને ઘાસ અને ખોળ ખરીદવાના રૂપિયા તેમજ પોતાના પરિવારના ગુજરાન માટે પણ રૂપિયા મળતા નથી. દીકરો તમામ રકમ આવા ગોરખ ધંધાઓમાં ઉડાવી દયે છે. અને હાલ પરિવાર પર ૧ લાખથી વધારે વેપારીઓનું લેણું ચડી ગયું છે. અનેક વખત સમજાવ્યા છતાં દીકરો વાત માનવા તૈયાર નથી. તે પોતાની આદત પર મજબુર બની ગયો છે.

      ત્યારે સવાલ એ થાય છે કે આવી ગેરકાયદે ચાલતી પ્રવૃતિઓને ડામવામાં નહી આવે તો આવનારા સમયમાં અનેક કુટુંબો કરજના ખાડામાં તણાઈ જાય તો નવાઈ નહી અને તે સિવાય પણ અનેક વિકરાળ પરિણામ આવી શકે છે.


ભરત હુણ
- તીરછી નજર