જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર શહેરમાં રવિવારે મારામારીના બે કિસ્સાઓ બન્યા છે, જેમાં બે વ્યક્તિઓ ઘાયલ થઈ છે અને તેઓને જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર અપાઇછે. પોલીસે બન્ને બનાવમાં હુમલા અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ જામનગરમાં ઉનની કંદોરી પાસે રહેતા ત્રીકમભાઈ આલાભાઇ સાગઠીયા નામના ૬૩ વર્ષના વયોવૃદ્ધ એ પોતાના ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી માથું ફાડી નાખવા અંગે ગણેશવાસ વિસ્તારમાં રહેતા હરીશ ઉર્ફે અશોક મોહનભાઈ વાઘેલા, મોહનભાઈ વાઘેલા અને રમેશ ઉર્ફે પુનો મોહનભાઈ વાઘેલા નામના ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
આ ઉપરાંત ફરિયાદીને માથામાં ઈજા થઈ હોવાથી જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેઓને માથામાં સાત ટાંકા લેવા પડ્યા છે. પોલીસે ત્રણેય આરોપીઓ સામે હુમલા અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મારામારીનો બીજો બનાવ જામનગરમાં પંચવટી વિસ્તારમાં બન્યો હતો. જ્યાં હાર્દિકસિંહ જગદીશસિંહ ચુડાસમા નામના ૨૧ વર્ષના રિક્ષાચાલક યુવાન ઉપર પટેલ કોલોની શેરી નંબર ૧૨ માં રહેતા અજીતસિંહ છત્રપાલસિંહ જાડેજા નામના શખ્સે છરી વડે હુમલો કરી પેટના ભાગે ગંભીર ઇજા પહોંચાડતા તેને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરાયો છે. અને તેના ઉપર સર્જરી કરવામાં આવી હતી.
 વાહન ઓવરટેક કરવાના પ્રશ્ને બોલાચાલી થયા પછી આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.