એક ખાણના ધંધાર્થીની ઓફિસ વગેરેમાં તોડફોડ કરી નાખી વાહનો અને સામાન સળગાવી નાખ્યા ની પોલીસ ફરિયાદ 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં આવેલી બે ખાણ નાં ધંધાર્થીઓ વચ્ચે ગઈકાલે તકરાર થઇ હતી, જેમાં એક ખાણના ધંધાર્થી ની જગ્યા માં છ જેટલા શખ્સોએ પથ્થરમારો કરી તોડફોડ કરી નાખી ઈલેક્ટ્રીક ઉપકરણો અને વાહનો તથા કાગળ વગેરે સળગાવી નાખ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. અને સામા પક્ષે પણ વળતી ફરિયાદ થઈ છે.
મળતી વિગત મુજબ જામજોધપુર તાલુકાના અમરાપર ગામમાં રહેતા અને પરડવા ગામની સીમમાં ખાણ ધરાવતા જીવાભાઈ નાથાભાઈ ખૂટી નામના ખાણ ના ધંધાર્થી એ પોતાની લીઝ વાળી જગ્યામાં ગેરકાયદે રીતે હથિયારો સાથે પ્રવેશ કરી પોતાને તેમજ પોતાના ભાગીદાર વગેરેને ધાક-ધમકી આપી પોતાની જગ્યામાં આવેલી ઓફિસમાં તોડફોડ કરી નાખી કોમ્પ્યુટર, પ્રિન્ટર, લેપટોપ, સીસીટીવી કેમેરા, વગેરે તોડી નાખ્યા હતા, ઉપરાંત રોયલ્ટી ના કાગળો અને દસ્તાવેજો ચેકબુક, ત્રણ વાહનો તથા ઇલેકટ્રીક ઉપકરણો વગેરે સળગાવી નાંખી નુકશાન પહોંચાડી હતી.
 જે બનાવ અંગે બાજુમાં જ લીઝ ધરાવતા અને શેઠ વડાળા ગામ માં રહેતા રાજુભાઇ ભીખાભાઈ, રામદેવ ભીખાભાઈ, ભીખાભાઈ દેવાભાઈ, ભરતભાઈ મેરૂભાઈ, લાલો ઉર્ફે અરજણભાઈ અને શેઠવડાળા ના હુસેન વગેરે સામે ફરિયાદ નોંધાવતાં જોધપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઉપરાંત સામા પક્ષે પણ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. બે લીઝ ના ધંધાર્થીઓને જમીનના મામલે તકરાર થયા પછી તોડફોડ ની ઘટના બની હોવાનું જાહેર થયું છે. હાલ પરડવા ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.