પાંચ શખ્સોએ જેસીબી વડે જમીનમાં ખેડાણ કરી સરકારનું બોર્ડ તોડી નાખ્યાની ફરિયાદ: પોલીસે પાંચેય શખ્સોની ધરપકડ કરી લઈ જેસીબી મશીન કબજે કર્યું
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર તાલુકાના નાઘેડી વિસ્તારમાં લહેરતળાવની નજીક આવેલી સરકારી ખરાબાની જગ્યામાંથી બિનઅધિકૃત રીતે પાંચ શખ્સોએ ગેરકાયદે પેશકદમી કરી ખેડાણ કરી નાખ્યું હતું. અને સરકારી જગ્યા નું સાઇનબોર્ડ પણ તોડી નાખ્યું હતુ. આ મામલે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવ્યા પછી પોલીસે પાંચેય શખ્સોની ધરપકડ કરી લઇ જેસીબી મશીન કબજે કર્યું છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં નાઘેડી નજીક લહેરતળાવ પાસે સરકારી ખરાબાની જુના સર્વે નંબર ૧૮૭ પૈકી (નવા સર્વે નંબર ૨૮૭) ની ૧૨૩ હેક્ટર સરકારી ખરાબાની જગ્યા આવેલી છે. જે જગ્યામાં તાજેતરમાં પાંચેક જેટલા શખ્સોએ ગેરકાયદે પેશકદમી કરી જેસીબી મશીન વગેરે ની મદદ થી  બાવળ કાઢી નાખ્યા હતા. અને બાજુમાં તળાવ આવેલું હોવાથી ખેડાણ કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો.
આ અંગે જામનગર ગ્રામ્ય મામલતદાર કચેરીના સર્કલ ઓફીસર રાકેશ ભરતભાઈ પરમાર ને ધ્યાનમાં આવતા તેઓએ તુરત જ જમીનમાં પેશકદમી કરનાર આ પાંચેય શખ્સોને અટકાવ્યા હતા, અને ફરીથી જમીનમાં પ્રવેશ નહીં કરવા જણાવી સરકારી જગ્યાનુ સાઈન બોર્ડ લગાવ્યુ હતું.
પરંતુ પાંચેય શખસો ફરીથી જમીનમાં પ્રવેશ્યા હતા. અને સરકારનું બોર્ડ પણ તોડી નાખ્યું હતું. અને પાંચ વીઘા જેટલી જમીનમાં જેસીબી ફેરવી જમીનને સમથળ કરી નાખી હતી. આથી આ મામલો જિલ્લા કલેકટર સુધી પહોંચ્યો હતો. અને આખરે પાંચેય શખ્સો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી.
જે ફરિયાદના અનુસંધાને પંચકોશી બી ડિવિઝન પોલીસે પાંચેય આરોપીઓ સામે આઇપીસી કલમ ૩૮૪,૧૪૩,૧૪૭,૪૪૭,૪૨૭ અને ૧૨૦(બી) હેઠળ ગુનો નોંધ્યો છે. અને જામનગરના જોડીયા ભૂંગા વિસ્તારમાં રહેતા મન્સુર મામદ સાઇચા, ગુલાબ નગરમાં રહેતા આમદ ઉંમર ખફી,  ઢિચડા માં રહેતા અસગર જૂમા દોદેપોત્રા, અને હનીફ જૂમા ઉપરાંત હાપા માં રહેતા રજાક સીદીક ખીરા વગેરે પાંચ શખ્સોની ધરપકડ કરી લઈ જેસીબી મશીન પણ કબજે કરી લીધું છે.