કમરના દુખાવાથી કંટાળી એસીડ પી જિંદગી ટૂંકાવી લીધી 
જામનગર મોર્નિંગ - જામનગર  
જામનગરમાં ભાઈના ઘરે પર્વ મનાવા આવેલ યુવાને એસીડ ગટગટાવી જિંદગી ટૂંકાવી લેતા અરેરાટી ફેલાઈ જવા પામી છે. આ બનાવની જાણ થતા સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. 
મળતી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના ઉગમણા બારા ગામે રહેતો સુખદેવસિંહ દાનસંગજી જાડેજા નામનો 40 વર્ષનો યુવાન પોતાના ભાઈ મહોબતસિંહ જાડેજાના જામનગર ખાતે ખીજડા મંદિર વાડી પાસે સ્થિત મકાને હોળી-ધૂળેટી કરવા આવેલ સુખદેવસિંહને કમરનો દુખાવો પણ રહેતો હોય દરમ્યાન તેનાથી કંટાળી પોતાના ભાઈના ઘરે એસીડ પી લેતા તાત્કાલિક આ યુવાનને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો હોય અને સારવાર દરમ્યાન સુખદેવસિંહ જાડેજાનું મૃત્યુ નિપજતા પરિવારમાં શોક છવાઈ ગયો છે. આ બનાવ અંગે મૃતકના ભાઈ મહોબતસિંહ જાડેજાએ સીટી સી ડિવિઝનમાં જાણ કરતા પોલીસે સ્થળ પર દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે.