રૂ. 1.50 લાખની કિંમતના દાગીના લઈ ગયા : યોગેશ્વરનગરનો બનાવ 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરના યોગેશ્વરનગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટકી અંદાજીત દોઢેક લાખની કિંમતનો સોના-ચાંદીનો મુદ્દામાલની ચોરી કરી લઈ જતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સીટી એ પોલીસે મકાન માલીકની ફરિયાદ પરથી ચોરીનો ભેદ ઉકેલવા જુદી-જુદી દિશામાં તપાસ હાથ ધરી છે.  
મળતી વિગત મુજબ જામનગરમાં રાજકોટ હાઈવે પર આવેલ યોગેશ્વર નગર શેરી નં. 4 ખાતે રહેતા ઉષાબેન બિપીનભાઈ ભારદીયા ગત તા. 6-3 ના રોજ પોતાના દીકરા સાથે બહાર ગામ ગયા હોય દરમ્યાન કોઈ અજાણ્યા શખ્સો તેઓના રહેણાંક મકાને ત્રાટકી બારણાંના નકુચા તોડી અંદર પ્રવેશ્યા હતા અને તિજોરી તોડી તેમાં રાખેલ સોનાની ત્રણ નંગ વીટી, સોનાના ત્રણ નંગ ચેન, સોનાનું એક પેન્ડલ, સોનાનું એક બુટીયું, સોનાનો એક દાણો, કાંડા ઘડીયારનો સોનાનો એક પટો કુલ કળી આશરે સવા ત્રણ તોલા સોનુ તથા એક જોડી ચાંદીના સાંકળા, એક ચાંદીનો જુડો, એક ચાંદીની લકી, ચાંદીના બે મંગળસૂત્ર તથા ચાંદીના બે સિક્કા જેની કિંમત રૂ. 15 હજાર હોય કુલ મળી રૂ. 1.45 લાખની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી લઈ જતા ઉષાબેન દ્વારા સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવાતા દરબાર ગઢ ચોકીના પીએસઆઈ સહિતનો સ્ટાફ બનાવના સ્થળે દોડી ગયો હતો અને ડોગ સ્કોડ તથા એફ.એસ.એલ.ની મદદથી ચોરીના આ બનાવનો ભેદ ઉકેલવા તપાસનો ચક્રો ગતિમાન કરી તસ્કરોને શોધી કાઢવા દોડધામ શરૂ કરી છે.