અન્ય એક વ્યક્તિને સારવાર અર્થે ખસેડાયો : મૃતકના પરિવારમાં ગમગીની 
જામનગર મોર્નિંગ - જામનગર 
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી મંગળવાર અને બુધવારના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે કાલાવડ તાલુકામાં ગઈકાલે બપોર બાદ વાતાવરણ એકાએક પલટાતા વરસાદી ઝાપટાં સાથે કરા પડતા આશ્ચર્ય ફેલાયું હતું, બીજી બાજુ કડાકા ભડાકા સાથે ભાવાભી ખીજડીયા ગામે વીજળી પડતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જયારે એક ને ઈજા પહોંચતા જામકંડોરણાના સારવારમાં ખસેડાયા છે. 
એક બાજુ કોરોનાની મહામારી, બીજી બાજુ લોકડાઉન અને ત્રીજી બાજુ એ અચાનક વરસાદી ઝાપટાઓ પડતા લોકોની ચિંતા બેવડાઈ છે, ગઈકાલે સાંજે  જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટા બાદ ભંગડા, નવાગામ, ઉમરાણા, મોટી વાવડી, સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાઓ પડ્યા તો કાલમેઘડા ગામે વરસાદ સાથે કરા પડતા ખેડૂતોની મુંજવણ વધી જવા પામી હતી જયારે બીજી બાજુ કડાકા ભડાકા સાથે ભાવાભી ખીજડીયા ગામે વીજળી પડતા ઉકરસીંગ મંગલસીંગ જમરા (ઉ.વ.30) નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું છે જયારે એક ને ઇજા પહોંચતા જામકંડોરણા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.