•  એકનો બચાવ એક મૃત હાલતમાં મળી આવ્યો અને એકની શોધખોળ શરુ છે. 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના હડમતીયા ગામ નજીક આવેલ ભંગ નદીના ધસમસતા પૂરમાં  તણાયેલા ત્રણ યુવાનો પૈકી એક યુવાનનો બચાવ થયો છે. જયારે અન્ય બે યુવાનો લાપત્તા બનતા શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ કલ્યાણપુર તાલુકામાં  હડમતીયા ગામે પડેલા ભારે વરસાદના કારણે ગામની ભંગ નદીમાં પૂર આવ્યું હતું. આ પૂરમાં  ત્રણ યુવાનો ફસાઇ ગયા હતા. એક-બીજાના સહારે ધસમસતા પૂરનો પ્રવાહ ઓળંગવાનો પ્રયાસ કરતા હતા ત્યારે આ ત્રણેય પૈકીના એક યુવાનનો પગ લપસી ગયો હતો અને આ યુવાનને બચાવવા જતા અન્ય બે યુવાનો પણ ધસમસતા પૂરમાં તણાઇ ગયા હતા. હડમતીયા નજીક આવેલી ક્રેઇન ઇન્ડિયા કંપનીમાં આ ત્રણેય યુવાનો કાર્યરત હોવાનું જાણવા મળ્યું છે.
જેમાના એક યુવાન રણમલ નથુભાઇ વરૂનો બચાવ થયો છે જયારે એક વિપ્ર યુવાનનો મૃતદેહ ભોગાત પાસેથી મળ્યો હોવાના સમાચાર મળ્યા છે. જયારે અન્ય એક મશરીભાઇ રાવલીયા નામનો યુવાન હજુ લાપત્તા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાના પગલે આજુબાજુના વિસ્તારના લોકો અને ગ્રામજનો ઉમટી પડયા હતા. પૂરમાં પસાર થતા આ યુવાનોને ગ્રામજનોએ સંકેતો પણ આપ્યા હતા પરંતુ ત્રણેય યુવાન એક સાથે પૂરમાં તણાયા હતા આ ઘટના બાદ કંપનીની અને સ્થાનિક તંત્રની ટીમો દ્વારા ત્રણેયની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. આ બનાવે ભારે અરેરાટી ફેલાવી છે.