જામનગર મોર્નિંગ : દેવભૂમિ દ્વારકા જીલ્લાની ભાણવડ નગરપાલિકા ચારેક મહિનાથી વિવાદમાં ચાલી રહી છે નગરપાલિકામાં નવા ચેરમેન સામે ભાજપના જ સભ્યોએ વાંધો ઉઠાવતા વિવાદ વધુ વકરી રહ્યો છે. જયારે જીલ્લા કલેકટરની સૂચનાથી તા.24-03-2021ના રોજ પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને નગરપાલિકાની બેઠક મળશે. જેમાં નારાજ સભ્યો દ્વારા નગરપાલિકાના સત્તાધારીઓ સામે અવિશ્વાસની દરખાસ્ત રજુ કરાઈ તેવી પૂરતી શક્યતા તોળાઈ રહી છે.
ભાણવડ નગરજનોમાં થતી ચર્ચા મુજબ ભાણવડ નગરપાલિકાના સતાધિશો ગત અઢી વર્ષની ટર્મ અને ચાલુ ટર્મમાં શહેરના વિકાસના કામો સમસ્યાના સમાધાનો કરવાનાં બદલે સામ - સામે વિવાદ અને બાયો ચડાવવામાંથી ઉંચા નથી આવતા. નગરપાલિકા વિસ્તારનો બાયપાસ રોડ, પીવાના પાણી વિતરણની સમસ્યા, રોજબરોજની સફાઈ જેવા અગત્યના પ્રશ્નોને નજરઅંદાજ કરીને એકબીજા સામે કાદવ ઊછાળવામાંથી જ ઉંચા નથી આવતા.