• જાહેરમાં માસ્ક પહેર્યા વિના નીકળનારા ૫૪ શખ્સો સામે એફઆઈઆર નોંધાઈ
  • સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ કરનારા ૧૬ વેપારીઓ- રેંકડી ચાલકો દંડાયા
  • ૬ વાહન ચાલકો સામે વધુ પેસેન્જર બેસાડવા અંગેની ફરિયાદ નોંધાવાઇ

જામનગર મોર્નિંગ - જામનગર તા ૧૦, જામનગર શહેર અને જિલ્લામાં કોરોના ની ગાઇડ લાઇન નું પાલન કરાવાના ભાગરૂપે પોલીસ તંત્ર એલર્ટ બની ગયું છે, અને જાહેરમાં માસ્ક પહેર્યા વિના નિકળનારા લોકો સામે પગલાં લેવાનું શરૂ કર્યું છે, જેના ભાગરૂપે માસ્ક પહેર્યા વિના નીકળનારા ૫૪ લોકો સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે. તે જ રીતે સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ કરનારા ૧૬ રેકડી ચાલકો અને દુકાનદારો સામે પણ ગુના નોંધાયા છે. ઉપરાંત વધુ પેસેન્જર ભરનારા છ વાહનચાલકો સામે પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

 જામનગર શહેર અને જિલ્લામાં કોરોના નું સંક્રમણ ખૂબ જ વધી ગયું હોવાથી પોલીસ તંત્ર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે સમગ્ર જિલ્લાભરમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૫૪ લોકો સામે માસ્ક પહેર્યા વિના નીકળવા અંગે જાહેરનામાં ભંગ બદલના ગુના નોંધવામાં આવ્યા છે. 

આ ઉપરાંત જામનગર શહેર અને જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં પોતાની દુકાનો અથવા તો રેકડી માં ભીડ એકઠી કરી જાહેરનામાનો ભંગ કરનારા ૧૬ વેપારીઓ પણ દંડાયા છે.

 જામનગર શહેર ના મુખ્ય હાઈવે રોડ પર નિર્ધારિત સંખ્યા કરતાં વધુ પેસેન્જરો ભરીને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન નહીં કરનારા છ વાહનચાલકો સામે પણ પોલીસ દ્વારા એફઆઈઆર નોંધવામાં આવી છે.