આઇઆઇટી કાનપુર આંખના વારસાગત રોગો માટે ક્રાંતિકારી જીન થેરાપી ટેક્નોલોજીમાં મહારથ ધરાવે છે, ભારતીય બાયોટેક કંપનીને જીન થેરાપી ટેક્નોલોજીનું લાઇસન્સ આપીને તેણે ઇતિહાસ રચ્યો
જામનગર મોર્નિંગ - કાનપુર
એક ઐતિહાસિક ક્ષણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) કાનપુરે જીન થેરાપીના ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવતી કંપની રિલાયન્સ લાઇફ સાયન્સીસ પ્રાઇવેટ લિમિટેડને ક્રાંતિકારી ટેક્નોલોજીનું લાઇસન્સ આપ્યું છે, આ થેરાપીનો ઉપયોગ ખાસ કરીને આંખના આનુવંશિક રોગોની સારવાર માટે કરવામાં આવે છે. ખામીયુક્ત જનીનને કારણે અનેક વારસાગત વિકૃતિઓ થાય છે. 'જીન થેરાપી' આવા વિકારોની સારવાર માટે જનીનનાં કાર્યાન્વિત સ્વરૂપ સાથે ખામીયુક્ત જનીનને બદલવાની એક પદ્ધતિ છે. આવું પહેલીવાર બની રહ્યું છે કે જ્યારે જીન થેરાપી સંબંધિત ટેકનોલોજી વિકસાવવામાં આવી હોય અને ભારતમાં શૈક્ષણિક સંસ્થામાંથી આવી ટેક્નોલોજી કોઈ કંપનીમાં ટ્રાન્સફર કરવામાં આવી હોય. આઇઆઇટી કાનપુરની જીન થેરાપી ટેક્નોલોજીને રિલાયન્સ લાઇફ સાયન્સીસ દ્વારા સ્વદેશી ઉત્પાદન તરીકે વધુ સારી રીતે વિકસિત કરવામાં આવશે.
આઇઆઇટી કાનપુર અને રિલાયન્સ લાઇફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ વચ્ચે આજે એક એમઓયુ એક્સચેન્જ સેરેમનીમાં પ્રો. અભય કરંદીકર (ડિરેક્ટર, આઇઆઇટી કાનપુર), અને શ્રી કે. વી. સુબ્રમણ્યમ (રિલાયન્સ લાઇફ સાયન્સીસના લાયસન્સી અને પ્રેસિડેન્ટ) સહિત અનેક મહાનુભાવોની હાજરીમાં ટેક્નોલોજી લાઇસન્સિંગ કરાર પર ઔપચારિક હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત અન્ય મહાનુભાવોમાં પ્રો. અંકુશ શર્મા (પીઆઇસી, ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન), પ્રો. અમિતાભ બંદોપાધ્યાય (હેડ, બીએસબીઇ વિભાગ), પ્રો. જયધરન ગિરધર રાવ (બીએસબીઇ વિભાગ, આઇઆઇટી કાનપુર) અને ડૉ. વેંકટ રામના (CSO) અને રિલાયન્સ લાઇફ સાયન્સના શ્રી પ્રવીણ શર્મા (જનરલ મેનેજર)નો સમાવેશ થાય છે.
આઇઆઇટી કાનપુરના ડિપાર્ટમેન્ટ ઓફ બાયોલોજિકલ સાયન્સ અને બાયોએન્જિનિયરિંગ વિભાગના (બીએસબીઇ) પ્રો. જયધરન ગિરધરન રાવ અને શ્રી શુભમ મૌર્ય દ્વારા વિકસિત આ પેટન્ટેડ ટેક્નોલોજી વારસાગત વિકારની સારવાર માટે સજીવના જનીનમાં ફેરફાર કરે છે. આ કિસ્સામાં એડેનો-સંબંધિત વાયરસ (AAV) (વાયરલ વેક્ટર) પર જીન થેરાપી માટે ચોક્કસ સ્થાન નક્કી કરવામાં આવે છે. આ ટેક્નોલોજી અસરગ્રસ્ત કોષો સુધી જનીનો પહોંચાડવાની અને તેની અસરકારકતામાં સુધારો કરવાની તેની ક્ષમતાને શ્રેષ્ઠ બનાવવા જનીનના જે તે ચોક્કસ સ્થાનોને સુધારે છે. આ ટેક્નોલોજી ઘણા વારસાગત રોગો ખાસ કરીને આંખના વારસાગત રોગો માટેની જીન થેરાપીમાં સુધારો કરવાની ક્ષમતા ધરાવે છે. આ ટેક્નોલોજીએ પ્રાણીઓમાં દૃષ્ટિની ક્ષતિને સુધારવામાં નોંધપાત્ર ક્ષમતા દર્શાવી છે.
જીન થેરાપી રિકોમ્બિનન્ટ ડીએનએ ટેક્નોલોજીની સૌથી શક્તિશાળી એપ્લિકેશનો પૈકીની એક છે જેમાં બહુવિધ સ્ત્રોતોમાંથી ડીએનએના ટુકડાઓને કાર્યક્ષમ રીતે ખામીયુક્ત જનીનની તંદુરસ્ત નકલ પહોંચાડવા માટે જોડવામાં આવે છે જેથી દાખલ કરેલા જનીનમાંથી પ્રોટીનનું ઉત્પાદન જીવન માટે ટકી રહે. આને સક્ષમ કરવા માટે રોગનિવારક ડીએનએ પરમાણુ વાયરસનો ઉપયોગ કરીને વિતરિત કરવામાં આવે છે જે માનવ કોષોને સંક્રમિત કરી શકે છે. સફળ ક્લિનિકલ એપ્લિકેશન માટે ઇચ્છિત જનીનની પર્યાપ્ત અભિવ્યક્તિને સુનિશ્ચિત કરવાના હેતુથી મૂળભૂત પ્રક્રિયાના અનેક સંકલનની જરૂર પડે છે.
"આઇઆઇટી કાનપુર આરોગ્યસંભાળના ક્ષેત્રમાં પ્રભાવશાળી ટેક્નોલોજી વિકસાવવા માટે પ્રતિબદ્ધ છે અને રિલાયન્સ લાઇફ સાયન્સીસને આ જીન થેરાપી ટેક્નોલોજીનું લાઇસન્સ આપતાં અમને આનંદ થાય છે," તેમ આઇઆઇટી કાનપુરના ડિરેક્ટર પ્રો. અભય કરંદીકરે જણાવ્યું હતું. “વાયરલ વેક્ટરનો ઉપયોગ કરીને જીન થેરાપી તાજેતરમાં મોલેક્યુલર મેડિસિન ક્ષેત્રે એક શક્તિશાળી પરિબળ તરીકે ઓળખાયું છે. અમારું માનવું છે કે આ ટેક્નૉલૉજી લેબર કૉન્જેનિટલ એમેરોસિસ, જે જન્મથી વ્યક્તિમાં હાજર હોય છે એવી આંખની વિકૃતિ અને ક્રમશઃ દૃષ્ટિ ગુમાવવાનું કારણ બનતા રેટિનાઇટિસ પિગમેન્ટોસા નામના એક રોગ સહિત આંખના વારસાગત રોગોની વિશાળ શ્રેણીની સારવાર માટેની અસીમિત ક્ષમતા ધરાવે છે. આઇઆઇટી કાનપુરમાં અમે નજીકના ભવિષ્યમાં આવી ઘણી આનુવંશિક વિકૃતિઓ માટે વિકસાવવામાં આવી રહેલી ઘણી પ્રભાવશાળી ટેક્નોલોજી તૈયાર થઈ રહી છે અને આગામી વર્ષોમાં તેની અસર જોવા માટે ઉત્સાહિત છીએ. સંશોધનના આવા ક્ષેત્રોને આગળ ધપાવવા માટે અમે તાજેતરમાં આઇઆઇટી કાનપુર ખાતે મહેતા ફેમિલી સેન્ટર ફોર એન્જિનિયરિંગ ઇન મેડિસિનની સ્થાપના કરી છે."
"અમે આ મહત્વપૂર્ણ ટેક્નોલોજીને વધુ સારી રીતે વિકસાવવા માટે આઇઆઇટી કાનપુર સાથે કામ કરવાની તક મેળવીને ખુશ છીએ, રિલાયન્સ લાઇફ સાયન્સ સંશોધન આધારિત મેડિકલ બાયોટેકનોલોજી કંપની છે અને અમે આ નવીન ટેક્નોલોજીના વ્યાપારીકરણ માટે સહયોગ કરવા અને તેને આગળ લઈ જવા માટે રોમાંચિત છીએ," તેમ રિલાયન્સ લાઇફ સાયન્સીસના પ્રેસિડેન્ટ શ્રી કે. વી. સુબ્રમણ્યમે જણાવ્યું હતું.
રિલાયન્સ લાઇફ સાયન્સીસ અધૂરી રહેલી ક્લિનિકલ જરૂરિયાતોને પૂરી કરવા માટે અનેક જીન થેરાપી વિકસાવી રહ્યું છે. જીન થેરાપીઓ ઉપરાંત રિલાયન્સ લાઇફ સાયન્સીસ માનવ અને પશુ આરોગ્ય રસીઓ અને mRNA ઉત્પાદનોની શ્રેણી વિકસાવી રહી છે. જીન અને સેલ થેરાપી આ ક્ષેત્રના ઉત્પાદનોના નવા અને અનોખા પ્રવાહનું પ્રતિનિધિત્વ કરે છે, જેનો ઉદ્દેશ્ય રિલાયન્સ લાઇફ સાયન્સીસના બાયોસિમિલર્સ અને ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોમાં મજબૂત ભૂમિકાને વધુ મજબૂત કરવાનો છે.
જીન થેરાપીનું ભવિષ્ય ઉજ્જવળ છે અને લોકોના જીવન પર તેની હકારાત્મક અસર થવાની ઉજ્જવળ શક્યતાઓ દર્શાવે છે. આઇઆઇટી કાનપુર દ્વારા રિલાયન્સ લાઇફ સાયન્સીસને જીન થેરાપી ટેક્નોલોજીનું લાઇસન્સ આપવું એ જીન થેરાપીના ક્ષેત્રમાં ભવિષ્ય તરફનું એક મહત્વપૂર્ણ કદમ છે અને તે પૂરી નહીં થયેલી તબીબી જરૂરિયાતોને પૂરી કરવા માટે નવીન ઉકેલો વિકસાવવા માટે આઇઆઇટી કાનપુરની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
0 Comments
Post a Comment