• સરકારી મેઇન હોસ્પિટલમાં ઇમરજન્સી અને ગંભીર સ્થિતિના દર્દીઓ જ વધારે આવે છે.

જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.05 : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા કલેકટર શ્રી ડૉ. નરેન્દ્ર કુમાર મીણા જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ સુતરીયા તથા ભાજપના જિલ્લા પ્રમુખ ખીમભાઇ જોગલ તથા કાર્યકરોની જહેમત તથા આગેવાનોના પ્રયાસોથી દ્વારકા જિલ્લામાં અનેક સ્થળે કોવીડ કેર સેન્ટર શરૂ થતાં ખંભાળિયામાં મેઇન હોસ્પિટલ સેન્ટરમાં દર્દીઓનો ધસારો અત્યંત ઓછો થતાં ગઈકાલે એક તબક્કે માત્ર પાંચનું જ વેઇટિંગ લિસ્ટ બાકી રહ્યું હતું.

ખંભાળીયા પાલિકાના ટાઉન હોલમાં કોરોના કેર સેન્ટરમાં હાલ 18 ઓક્સિજન બોટલ તથા 10 મશીનો ડાયરેક્ટ ઓક્સિજન વાળા મળીને 28 દર્દીઓને ઓક્સિજન સુવિધા સાથે તથા બારથી પંદર દર્દીઓ તે ઓક્સિજન વિના હાલ સારવાર લઇ રહ્યા છે.
દ્વારકા મથુરા ભવનમાં પબુભા માણેક દ્વારા શરૂ થયેલા કોવીડ સેન્ટરમાં તથા નંદાણામાં કોંગી અગ્રણી મુળુભાઈ કંડોરીયા તથા નંદાણા મયુર શૈક્ષણિક સંકુલના ડાયરેક્ટર શ્રી ખીમભાઇ આહીર દ્વારા શરૂ થયેલ કોવીડ કેર સેન્ટરમાં પણ સારવાર ચાલુ છે.
ભાજપના જીલ્લા પ્રમુખ ખીમભાઇ જોગલના માર્ગદર્શન હેઠળ ઘેલાણી સંકુલમાં 50 બેડની સુવિધા સાથે કોવીડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું તેમાં પણ સારી સંખ્યામાં દર્દીઓ લાભ લઇ રહ્યા છે.