• ૧૮ થી ૪૪ વર્ષના યુવાનોને વેકસીન આપવાનો સરકારનો નિર્ણય આવકાર દાયક, વેકસીન લઈ દેશને કોરોના મુક્ત કરવામાં યુવાઓ પોતાનું યોગદાન આપે -૨૦ વર્ષીય પોસ્તરીયા તેજલ


  • રજીસ્ટ્રેશનથી લઇ વેકસીનેશન સુધીની તમામ પ્રક્રિયાઓ ખૂબ જ સરળ, દરેક નાગરિકે અવશ્ય વેકસીન લેવી જોઇએ -દ્વષ્ટી પરમાર


જામનગર તા. ૦૬ મે, ગત તારીખ ૧લી મે થી રાજ્યના ૧૮ થી ૪૪ વર્ષની ઉંમરના દરેક યુવાઓને વેકસીન આપવા અંગેની રાજ્ય સરકારે જાહેરાત કરી હતી. જેને લઇને જામનગરના યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ૧૮ થી ૪૪ વર્ષના યુવાનો ખૂબ મોટા પ્રમાણમાં રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે. 

તેમજ એપોઇન્ટમેન્ટ મુજબ વેકસીન લઇ પોતાને કોરોનાથી સુરક્ષિત કરી રહ્યા છે. યુવાનો રાજ્ય સરકારની ઓનલાઈન રજીસ્ટ્રેશન પદ્ધતિથી ખૂબ જ સંતુષ્ટ જોવા મળ્યા હતા તો બીજી તરફ વેકસીન લઈ વધુમાં વધુ લોકોને વેક્સિન લેવા અપીલ પણ કરી હતી.


જામનગરના કામદાર અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી વેકસીન લીધા બાદ ૨૦ વર્ષીય પોસ્તરીયા તેજલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા કરવામાં આવેલી ૧૮ થી ૪૪ વર્ષના યુવાનો માટેની વેક્સિનેશનની પહેલ ખુબ જ આવકારદાયક છે. મે અત્યારે વેકસીન લીધી છે અને મને તેની કોઈ જ આડઅસર થઈ નથી. આથી લોકો પણ કોઈ જ પ્રકારનો ડર રાખ્યા વગર વેકસીન લેવા આગળ આવે તે જરૂરી છે. આપણે સૌ સરકારને સાથ સહકાર આપીએ અને વધુમાં વધુ વેક્સિનેશન કરાવી દેશને કોરોના મુક્ત કરવામાં પોતાનું યોગદાન આપીએ.


દ્રષ્ટિ પરમાર નામના બીજા એક યુવાએ વેકસીન લીધા બાદ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા રજીસ્ટ્રેશનથી લઇ વેક્સિનેશન સુધીની સમગ્ર પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવાઇ છે. સરળતાથી રજીસ્ટ્રેશન થઇ જાય છે તેમજ આરોગ્ય કેન્દ્ર ખાતે વેકસીન લેવામાં પણ કોઈ મુશ્કેલી પડતી નથી. પોતાના પરિવાર તથા સમાજને કોરોનાથી મુક્ત કરવા દરેક નાગરિક અવશ્ય વેકસીન લે તેવી અપીલ કરતા દ્રષ્ટિએ જણાવ્યું હતું કે આની કોઇ જ આડઅસર નથી વેકસીન એકદમ સુરક્ષિત છે.


અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૫ આરોગ્ય કેન્દ્રો ખાતે ૧૮ થી ૪૪ વર્ષના યુવાનો માટે વેકસીનેશની સુવિધા ઉભી કરવામાં આવી છે. રજીસ્ટ્રેશનથી લઇ વેક્સિનેશન સુધીની સમગ્ર પ્રક્રિયાને ખૂબ જ સરળ બનાવાઈ છે. જેથી વધુમાં વધુ યુવાનો આ સુવિધાનો લાભ લઇ પોતાને કોરોના સામે સુરક્ષિત કરી રહ્યા છે અને તેથી જ જામનગરમાં પણ ૧ લી મે થી આજ દિન સુધીમાં ૯,૮૦૯ યુવાઓ સફળતાપૂર્વક પોતાનુ કોવિડ પ્રતિરોધક રસીકરણ કરાવવામાં સફળ રહ્યાં છે.


વિશેષ અહેવાલ - વીરેન્દ્રસિંહ પરમાર, ફોટો - ગજેન્દ્રસિંહ જાડેજા