• હોસ્પિટલના રેકોર્ડ પર શૂન્ય ઇન્જેક્શનો બતાવાયા હતા: જ્યારે ચેકિંગ દરમિયાન ૨૨ ઇન્જેક્શનો મળી આવ્યા
  • હોસ્પિટલ માં દાખલ થયા પછી મૃત્યુ પામેલા અને ડિસ્ચાર્જ થયેલા દર્દીઓના નામે પણ ઇન્જેક્શનો માંગવામાં આવ્યા નું સામે આવ્યું


 જામનગર તા ૬, જામનગરની ખાનગી હોસ્પિટલમાં શહેર વિભાગના પ્રાંત અધિકારીની ઓચિંતી તપાસ દરમિયાન કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. હોસ્પિટલ ના રેકોર્ડ મુજબ રેમડેસીવિર ઇન્જેક્શનો ની સંખ્યા શૂન્ય દર્શાવાઈ હતી, જ્યારે ચેકિંગ દરમિયાન હોસ્પિટલમાં થી ૨૨ ઇન્જેક્શનો મળી આવ્યા હતા. એટલું જ માત્ર નહીં જે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામેલા છે, જ્યારે જે દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે, તેઓના નામે પણ ઇન્જેક્શનો માંગાવામાં આવ્યા હોવાનું ધ્યાનમાં આવતા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે.

 જામનગર-ખંભાળીયા હાઈવે રોડ પર સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલ આવેલી છે. જે ખાનગી કોવિડ હોસ્પિટલમાં રેમડેશીવિર ઇન્જેક્શનના મામલે ગડબડ ગોટાળા હોય તેવી ફરિયાદ મળવાના કારણે જામનગરના શહેર વિભાગના પ્રાંત અધિકારી શ્રી આસ્થા ડાંગર ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી કુણાલ દેસાઈ ને સાથે રાખી ને તપાસ અર્થે પહોંચ્યા હતા, અને હોસ્પિટલ નું રજીસ્ટર વગેરે ચેક કર્યું હતું.

 જેમાં રેમડેસિવિર ઇન્જેકશનનો જથ્થો શૂન્ય દર્શાવાયો હતો. પરંતુ વહીવટી તંત્રની ચેકિંગની કામગીરી દરમિયાન કોવિડ હોસ્પિટલમાંથી ૨૨ ઇન્જેક્શનો મળી આવ્યા હતા. જે અંગે નું હોસ્પિટલમાં રોજ કામ કરવામાં આવ્યું છે.

 આ ઉપરાંત વધુ તપાસમાં અન્ય કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ પણ થયા હતા. સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલ માં દાખલ થયેલા દર્દીઓ કે જેઓ મૃત્યુ પામ્યા છે, ઉપરાંત જે દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે, તે દર્દીઓના નામે પણ રેમડેસિવિર ઇન્જેક્શન સરકાર પાસે માંગવામાં આવ્યા હોવાની માહિતી જાણવા મળી રહી છે. જે સમગ્ર મામલે જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને ઝીણવટ ભરી તપાસ કરવાનો આદેશ અપાયો છે. એસ.ડી.એમ.ની આ કાર્યવાહી ને લઈને ખાનગી કોવિડ હોસ્પીટલ વર્તુળમાં ભારે દોડધામ મચી ગઇ છે.