• પત્ની સાથે ઝગડો થયા પછી ઘર છોડી દઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ

જામનગર તા ૧, જામનગરમાં ખોડીયાર કોલોની નજીક રોયલ પુષ્પપાર્ક સોસાયટીમાં રહેતા એક યુવાને પોતાની પત્ની સાથે ઝઘડો થયા પછી તેણે ઘર છોડી દીધું હતું, અને ગાગવા ગામ પાસે જાડી જાખરા વિસ્તારમાં પોતાના શરીર પર પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરી લેતાં તેને ગંભીર હાલતમાં સારવાર માટે જી.જી હોસ્પિટલ માં દાખલ કરાયો છે. સિક્કા પોલીસ સમગ્ર મામલે તપાસ ચલાવે છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં રોયલ પુષ્પ પાર્ક વિસ્તારમાં રહેતા નિલેશ ચુનીલાલ ગુઢકા નામના ૪૦ વર્ષના યુવાને આજે સવારે ગાગવા વાડી વિસ્તારમાં પોતાની કાયા પર પેટ્રોલ રેડી દેતા ગંભીર સ્વરૂપે દાઝી ગયો હતો. આ બનાવ અંગેની ૧૦૮ની ટીમ ને જાણ થતાં ૧૦૮ ની ટુકડી સ્થળ પર પહોંચી ગઈ હતી, અને ૮૦ ટકા દાઝી ગયેલા યુવાનને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં પહોંચાડ્યો છે.

 જે બનાવની જાણ થતાં સિક્કા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો, અને તેનું નિવેદન નોંધવાનું શરૂ કર્યું હતું. તેમાં પોતાની પત્ની દિવ્યાબેન સાથે ઝગડો થયો હોવાથી ત્રણ દિવસ પહેલા ઘર છોડી દીધું હતું.

 દરમિયાન આજે સવારે ગાગવા ગામ પાસે પોતાના કુટુંબીજનો ની વાડી નજીક પહોંચી જઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ દ્વારા તેની પત્ની દિવ્યાબેન નો પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેણે જી.જી.હોસ્પિટલમાં આવવાનો ઈનકાર કરી દેતાં પોલીસે ગ્રામ્ય વિસ્તારના મામલતદાર ની હાજરીમાં નિવેદન નોંધવા નું શરુ કર્યું છે.