• બાદનપર મહિલા સરપંચના પ્રયાસોથી ગામમાં પ્રવેશનાર ના કોવિડ ટેસ્ટ ફરજીયાત: પાદરમાં તબીબોની સારવાર ની વ્યવસ્થા

 જામનગર તા ૫, જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાદનપર ગામ માં કોરોના નું સંક્રમણ અટકાવવાના ભાગરૂપે સમગ્ર ગામને સેનીટાઇઝડ કરાયું છે. ગામના મહિલા સરપંચ દ્વારા કોરોના ની ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન થાય તેનું ધ્યાન રાખી પ્રવેશનાર લોકોનું કોવિડ પરિક્ષણ કરાવવાનું તેમજ ગામના પાદરમાં જ જરૂરી તબીબી સારવારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

 જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાદનપર ગામના સરપંચ રતનબેન હરિભાઈ ભીમાણી દ્વારા કોરોનાનું સંક્રમણ રોકવાના ભાગરૂપે જુદા જુદા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે બાદનપર ગામ ને કોરોનાના સંક્રમણથી બચાવવા માટે સમગ્ર બાદનપર ગામ ને સેનીટાઇઝડ કરાયું છે. બાદનપર ગામની બજાર અને જાહેર માર્ગોપર સેનીટાઇઝર નો છંટકાવ કરાવાયો હતો.

 બાદનપર ગામમાં આવતા લોકો માટે કોવિડ -૧૯ ની ગાઇડલાઇન મુજબ જોડિયાના સામુહિક આરોગ્ય કેન્દ્ર માં કોરોના ની ફરજિયાત ટેસ્ટ ની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉપરાંત સમગ્ર ગામમાં કોવિડ-૧૯ ની ગાઈડલાઈન નું કડકાઇથી પાલન પણ કરાવાઈ રહ્યું છે. જેના કારણે બાદનપર ગામ માં કોરોના ના ગતિ ધીમી પડી છે. 

ગામના પાદરમાં અને સંતોકી ભવનમાં સરપંચ તથા અન્ય લોકોના પ્રયાસોથી તબીબો ને હાજર રાખી પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે.