• જયારે 50-55 રૂપિયા ડીઝલના ભાવ હતા ત્યારે પણ આટલુ ભાડુ અપાતું હાલ ડીઝલના ડબલ ભાવ થવા આવ્યા છતાં પણ ભાડામાં એ હિસાબ પ્રમાણે વધારો કરાતો નથી.
  • 15-16 વર્ષથી કંપની સાથે જોડાયેલ ટ્રક ચાલકો મુશ્કેલીમાં !

જામનગર મોર્નિંગ - ભાણવડ તા.15 : ભાણવડ તાલુકા લાઇમ સ્ટોન ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનમાં સમાવિષ્ટ થતા ટ્રક ચાલકો દિગ્વિજય સિમેન્ટ કંપનીની પાછતર ખાણથી સિક્કા કંપનીના સિમેન્ટ પ્લાન્ટ સુધી લાઇમ સ્ટોનનું ભાડેથી વહન કરે છે. પાછતર ખાણથી સિક્કા સિમેન્ટ પ્લાન્ટ સુધીનું રિટર્ન અંતર 190 કિ.મિ. જેવું થાય છે   જેમાં કંપની દ્વારા કોન્ટ્રાકટર મારફત ટ્રક ચાલકોને ભાડા પેટે 266/-  રૂપિયા હમણાં રસ્તામાં બ્રિજ તૂટતાં ડાયવર્ઝન રોડમાં 30 કિ.મિ. અંતર વધતા 301/- રૂપિયા જેવું પ્રત્યેક ટન ભાડુ ચૂકવવામાં આવી રહ્યું છે. સરેરાશ ટ્રકમાં 20 ટન જેટલો લાઇમ સ્ટોન ભરાઈ છે. એટલે એક ટ્રીપના 6020/- રૂપિયા જેવું ભાડુ થાય છે.


જયારે હાલમાં ડીઝલના સતત વધતા જતા ભાવ સાથે ટ્રક ચાલકોને એક ટ્રિપમાં ડીઝલ,ડ્રાઇવર, ટ્રકના વેરેન્ટેજ સહીત રૂપિયા 9000/- જેટલો ખર્ચ આવતો હોય, ટ્રક ચાલકોના જણાવ્યા મુજબ જયારે 50-55 રૂપિયા ડીઝલના ભાવ હતા ત્યારે પણ આટલુ ભાડુ અપાતું હાલ ડીઝલના ડબલ ભાવ થવા આવ્યા છતાં પણ ભાડામાં એ હિસાબ પ્રમાણે વધારો કરાતો નથી. આ ટ્રક ચાલકો સ્થાનિક છે વર્ષોથી કંપની સાથે સંકળાયેલ છે. 2004 આસપાસથી તેઓ દિગ્વિજય સિમેન્ટ પ્લાન્ટમાં લાઇમ સ્ટોનનું વહન કરે છે. હાલ વધતી જતી મોંઘવારી ડીઝલના ભાવની સાથે ટ્રક ચાલકોને પરવડે તે પ્રમાણે ભાડા કરવા માટે દિગ્વિજય સિમેન્ટ કંપનીના મેનેજર, જીલ્લા કલેક્ટર સહિતનાને લેખિતમાં તા.21/06/2021ના રજૂઆત કરી છે રજૂઆત કર્યાના 25 દિવસ જેટલો સમય વીત્યા છતાં કંપની તરફથી કોઈ હકારાત્મક પ્રતિભાવ ના મળતાં ટ્રક ચાલકો મામલતદાર કચેરી સામે ધરણા યોજી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.