નાણાંધીરવાનું લાયસન્સ ધરાવતા જૂજ લોકો બચ્યા એમાંય નિયમો પાળે એવા તો આંગળીના વેઢે ગણાય એટલા ! 

જામનગર મોર્નિંગ - જામનગર


જામનગર શહેરમાં હાલમાં વ્યાજનો વેપાર વિશાળરૂપ ધારણ કરી રહ્યો છે.નિયમો આધીન નાણાં ધીરવાના ધંધા કરતા જૂજ લોકો બચ્યા છે અને બચ્યા એમાંથી પણ આંગળીના વેઢે ગણી શકાય એટલા નિયમો પાળે છે. બાકી જેમના ખિસ્સામાં લાખ રૂપિયા પડ્યા તે વ્યાજના વેપારમાં ચડી ગયા હોય એવી સ્થિતિ હાલ જામનગરમાં બની રહી છે. જામનગરમાં દૈનિક અને માસિક ધોરણે મોટા પ્રમાણમાં વ્યાજના કાળા નાણાં ફરી રહ્યા છે.
શાકભાજી, ફળની રેંકડીઓ અને કેબિન ધારકોને 9000/- રૂપિયા આપીને દૈનિક 100/- રૂપિયા લેખે 100 દિવસમાં 10000/- રૂપિયા આ સાવ સામાન્ય બની ગયું છે પરંતુ હવે તો જરૂરિયાત વાળા વ્યક્તિને એક લાખ રૂપિયા 5 ટકા થી લઈને 20-25 ટકા સુધી જેવી જરૂરિયાત એ પ્રમાણે ગરજના હિસાબે વકરો વ્યાજરૂપે વસુલાઈ રહ્યો છે.
સરેરાશ જામનગરમાં જોઈએ તો 25 થી 30 ટકા લોકો આવા બેનામી કાળા નાણાંના મોટા વ્યાજચક્રમાં ફસાયેલાં છે.
 હોસ્પિટલ કે સારા નરસા પ્રસંગે તાત્કાલિક રૂપિયા મેળવવાની જરૂરિયાત સમયે આવા મોટા વ્યાજના ચક્રમાં લોકો ફસાઈ જાય છે. અને એક વખત આ વ્યાજચક્રમાં ફસાયા પછી સામાન્ય પરિવારને આમાંથી બહાર આવવું બહુ મુશ્કેલ બની જાય છે.
 સામાન્ય રીતે એક લાખ રૂપિયા 10-15 ટકા વ્યાજે મેળવ્યા હોય એટલે દર મહિને 10-15 હજાર તો વ્યાજ થાય મૂળ રકમ તો એમજ રહે એટલે સામાન્ય પરિવાર 10-15 હજાર વ્યાજ પણ માંડ ભરી શકે મૂળ રકમ ક્યારે ઓછી થાય છેવટે મૂળ રકમથી પણ વધારે રકમ વ્યાજ સ્વરૂપે ભરાઈ જાય છતાં પણ હજુ મુદ્દલ રકમ અને વ્યાજનો હપ્તો યથાવત રહે છે.
 જામનગરમાં સતત વધતા જતા વ્યાજના વેપારને કારણે ગુનાખોરીમા પણ મોટા પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે છતાં પણ વ્યાજખોરી સામે કાયદાનો દંડો ઉઠાવવા, વ્યાજનો વેપાર કરતા કેટલા લોકો માન્યતા ધરાવે છે નિયમોનું પાલન થાય છે કે કેમ અને એ સિવાયના જે અનઅધિકૃત રીતે જે વ્યાજના વેપાર કરે છે તેની સામે પગલાં ભરવા માટે તંત્રએ આગળ આવવું જરૂરી છે.