વેકસીનના ડોઝ લીધા વિના વેકસીન પ્રમાણપત્ર બનાવી આપવાના કૌભાંડનો પર્દાફાશ: અત્યારસુધીમાં 250 સર્ટી આપી દેવામાં આવ્યાનું તપાસમાં ખુલ્યું

જામનગર મોર્નિંગ - જામનગર ( ભરત ભોગાયતા)કોરોના મહામારીને ફેલાતી અટકાવવા માટે સરકાર દ્વારા લોકોને વેક્સીન લેવાની અપીલ કરવામાં આવે છે, જેથી કોરોના સંક્રમણ ફેલાતું અટકાવી શકાય વધુમાં વેક્સીન લીધા બાદનું સર્ટીફીકેટ અન્ય રાજ્યોમાં અવરજવર વખતે પણ ઉપયોગી બને છે, એવામાં જામનગર પાસેના દેવભૂમિ દ્વારકા જીલ્લા એસઓજી ટીમને એક મોટી સફળતા મળી છે અને કદાચ રાજ્યનું પહેલું અને સૌથી મોટું વેક્સીન ડોઝ લીધા વિના સર્ટીફીકેટ આપવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, અને સંડોવાયેલા શખ્સો વિરુદ્ધ ગુન્હાહિત કાવતરું, વિશ્વાસઘાત, સહિતની કલમો હેઠળ સલાયા મરીન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે,

મળતી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા સુનીલ જોશીના સીધા માર્ગદર્શન હેઠળ એસઓજી ઇન્ચાર્જ પી.આઈ. જે.એમ.ચાવડા અને પીએસઆઈ પી.સી.સીંગરખીયાની રાહબરીમાં એસ.ઓ.જી.સ્ટાફની અલગ-અલગ ટીમો લગત કામગીરી સબબ સતત પેટ્રોલીગમાં હતા તે દરમિયાન એસ.ઓ.જી.ના પોલીસ કોન્સ.ધર્મેન્દ્રસિંહ જી.જાડેજા (ધમભા), મહાવિરસિંહ બી.ગોહીલ તથા એ.એસ.આઈ.રાજેન્દ્રસિંહ એમ.જાડેજાનાઓએ સલાયા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન ખાનગીરાહે સંયુક્તમાં ચોક્કસ બાતમી હકીકત મેળવીને તદન ખાનગી રાહે ઓપરેશન હાથ ધરી સલાયાના અસમાજીક તત્વો કે જે અર્બન હેલ્થ સેન્ટર-જામ ખંભાળીયાના હંગામી કર્મચારીઓ સાથે ઘરાબો ધરાવે છે અને તેવો ગુન્હાહિત કાવતરૂ રચીને પોતાના અંગત આર્થિક ફાયદા સારૂ પોતાને મળેલ ફરજનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરી તથા કોરોના વેકસીન આપવા માટે નિયુક્ત કરેલ ફિમેલ હેલ્થ વર્કરની જાણ બહાર કોઈપણ રીતે ફિમેલ હેલ્થ વર્કરના આઈ.ડી.-પાસવર્ડનો ઉપયોગ કરીને કોરોના વેક્સીન મેળવ્યા અંગેના સર્ટી જનરેટ કરી વેચાણ કરતા હોવાનું રાજ્યનું સૌથી મોટું કૌભાંડ સામે આવતા તે દિશામાં તપાસ શરુ કરતા કલાકોમાં જ મોટી સફળતા હાથ લાગી છે.

સામાન્ય માણસોને વેક્સીન આપ્યા વગર જ કોવીડ વેક્સીન મેળવ્યા અંગેના સર્ટી ઈસ્યુ કરીને તેની પાસેથી રૂપિયા 1000 થી 2500 સુધીની રકમ મેળવી લઈ અને વેકસીન ન લેવાથી જીવલેણ કોરોનાથી સંક્રમિત થઈ શકાય છે તેમજ કોરોના રોગનું સંક્રમણ વધે તેવું જાણતા હોવા છતા પણ તેમજ ફરજ સોંપનાર હેલ્થ અધિકારી સાથે તેમજ સામાન્ય માણસને વેકસીનના ડોઝ નહીં લેવડાવી માત્ર વેકસીન મેળવ્યા અંગેનું પ્રમાણપત્ર બનાવી તે પ્રમાણપત્ર વેકસીન લીધા વગર તે પ્રમાણપત્ર વેકસીન લીધા અંગેનું જાહેર કરતુ આપી વિશ્ર્વાસઘાત કરી ગુન્હો કરતા હોવાનું પગેરૂ મેળવીને સલાયામાં બસ સ્ટેશન રોડ ઉપર આવેલ અલ માસુમશા શોપિંગ સેન્ટરમાં “અલ નાઝ ટેલીકોમ”નામથી દુકાન ધરાવતો અને ટ્રાવેલ એજન્સી તથા મોબાઈલ એસેસરીઝની વેચાણ કરતા અલ્તાફ હુશેનભાઇ જુસબભાઇ લોરૂ જે ટ્રાવેલ એજન્સીના ધંધા સાથે જોડાયેલ છે તેને કુલ 7 ડમી કોરોના વેકસીન મેળવ્યા અંગેના સર્ટી સાથે દબોચી લીધેલ અને આગળની તપાસ હાથ ધરતા સલાયામાં જ આશરે 200 થી 250 જેટલા કોરોના વેકસીન મેળવ્યા વગર કોરોના વેકસીન મેળવ્યા અંગેના ડમી સર્ટી બનેલ હોવાનું તપાસ દરમ્યાન ખુલવા પામેલ છે.

જેથી આ મામલે  વિપુલ નારણભાઈ ચૌહાણ રહે.ફોટડી ગામ તા.ભાણવડ, અકરમભાઈ હનીફભાઈ બ્લોચ રહે.જામ ખંભાળીયા, અલ્તાફ હુશેનભાઇ લોરૂ રહે.સલાયા, કરાર પાડો, બારલો વાસ તા.જામખંભાળીયા અને  તપાસમાં ખુલ્લે તે તમામ વ્યક્તિઓની વિરૂધ્ધમાં ડો.મેહુલભાઈ ડી. જેઠવા, તાલુકા હેલ્થ ઓફિસર, તાલુકા હેલ્થ કચેરી, જામ ખંભાળીયા, જી.દેવભૂમિ દ્વારકાનાઓની ફરિયાદ નોંધી સલાયા મરીન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજી.કરાવેલ છે અને આગળની તપાસ સંભાળેલ છે અને આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા અલગ અલગ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં આરોપી દબોચી લઈ હસ્તગત કરેલ છે. 

ઉપરોક્ત સમગ્ર કાર્યવાહીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઈન્સપેકટર જે.એમ.ચાવડા, પોલીસ સબ ઇન્સપેક્ટર, પી.સી.સીંગરખીયા તથા એ.એસ.આઈ.રાજેન્દ્રસિંહ જાડેજા, ભીખાભાઈ ગાગીયા, હરપાલસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, દિનેશભાઈ માડમ, કિશોરસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહાવિરસિંહ ગોહીલ, નિલેશભાઈ કારેણા, હરદિપસિંહ જાડેજા વિગેરે જોડાયેલ હતા.