જામનગર મોર્નિંગ - ભાણવડ તા.૧૭ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ શહેરનો જકાતનાકાથી લઈને વેરાડ નાકા સુધીનો બાયપાસ રોડ લાંબા સમયથી બિસ્માર હાલતમાં સંપૂર્ણ નાશ પામી ગયેલ જેમ છે. અગાઉ પણ ૧ - ૨ વખત આ રોડ માટે ટેન્ડર પ્રક્રિયા કરાઈ હતી પણ જે - તે સમયે પાલિકાના કોર્પોરેટરોની ખેચતાણમાં રોડનું કામ થઇ શક્યું નહી. બાદમાં નગરપાલિકા પ્રમુખ -ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મુકાઇ એ મંજુર થઇ ત્યારબાદ નગરપાલિકા સુપરસીડ થઇ ફરીથી પેટા ચુંટણી થઇ બહુમતીમાં કોંગેસ આવી. ભાણવડના અટકેલા વિકાસને પાટે ચડાવવાના નામ પર કોંગ્રેસ સત્તા પર આવી. સત્તા સંભાળ્યા બાદ અગ્રતા ક્રમમાં મુખ્ય સમસ્યા બાયપાસ રોડના નવીનીકરણનું કામ ઉપાડ્યું હતું.

તા.૦૮/૧૧/૨૦૨૧ના રોજ ધારાસભ્યશ્રી વિક્રમ માડમ અને જીલ્લા પંચાયત સદસ્ય કે.ડી.કરમુર જે હાલ ભાણવડ કોંગ્રેસનો ચહેરો કહી શકાય તેની આગેવાની હેઠળ બાયપાસ રોડના કામ માટે ખાતમુર્હત કરાયું . સામાન્ય રીતે ખાતમુર્હત થાય એટલે તે જ દિવસે અથવા ૧ - ૨ દિવસમાં એ કામ શરુ કરવાનું હોય છે જયારે અહી ૧ મહિનાથી વધારે સમય વીતવા છતાં પણ ખાતમુર્હત કરાયેલ રોડનું હજુ કામ શરુ થયું નથી. વધુમાં મળતી વિગત મુજબ આ કામ માટે નક્કી થયેલ એજન્સીને આ કામ પરવડતું નથી અથવા કરવા દેવા માંગતા નથી જેથી એજન્સીને નોટીસ આપીને તે કામનું રી - ટેન્ડર કરવાનું હોય તેવું પણ પાલિકા સુત્રો માંથી જાણવા મળી રહ્યું છે. એજન્સી અને ઈજારેદાર બદલાવો કે જે કરો પણ આ રોડનું કામ તત્કાલ શરુ કરો તેવી ભાણવડના લોકોની લાગણી અને માંગણી છે.