પોતાની પ્રેમીકાને ગિફ્ટ આપવા અને અન્ય રાજ્યમાં કબડ્ડી રમવા માટે આર્થીક સંકળામણ હોવાથી હાર વેચ્યો: મોટા ભાઈની પત્નીએ હાર પહેરવા માંગતા ભાંડો ફૂટવાની બીકે માતાને મનાવી લૂંટનું નાટક રચ્યું    

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં ઈન્દિરા સોસાયટીમાં રહેતા એક પરિવારના ઘરે બંદુક ધરી ત્રણ લુટારુઓએ લૂંટ ચલાવી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે આ ઘટનાનો હાલ ભેદ ઉકેલાયો ગયો છે. પ્રેમિકાને ગિફ્ટ મોકલવા તેમજ અન્ય રાજ્યમાં કબડ્ડી રમવા જવા માટે ખર્ચ કાઢવા યુવાને જ ઘરમાં જ ચોરી કરી હતી. જે બાદ પકડાઈ જવાની બીકે માતાને મનાવી લૂંટ થઈ હોવાનું પોલીસને કહેવા જણાવ્યું હતું. પોતાની પૂર્વ પત્નીનો ઘરમાં પડેલા હારને વેંચી નાખી પ્રેમિકાને ગિફ્ટ આપવા અને પોતાને અન્ય રાજ્યમાં કબડ્ડી રમવા માટેનો ખર્ચ કાઢવા યુવાને પોતાના ઘરમાં જ ચોરી કરી હતી. 

મળતી વિગત મુજબ જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં ઇન્દિરા સોસાયટીમાં રહેતી એક મહિલાએ બુધવારે વહેલી સવારે પોલીસ કંટ્રોલમાં ફોન કરી જાણ કરી હતી કે, પોતાના ઘરે બંદુક સાથે ઘસી આવેલ ત્રણ શખ્સો રૂપિયા ત્રીસ હજારની રોકડ અને 11 તોલા સોનાની ચોરી કરી નાશી ગયા હોય બાદમાં સીટી બી ડીવીજન પોલીસનો સ્ટાફ તુરંત ઘટના સ્થળે પહોચ્યો હતો અને ત્યારબાદ એલસીબીએ પણ તપાસ હાથ ધરી હતી. 

પોલીસે ઘરનું નિરીક્ષણ કરી તપાસ શરુ કરી હતી. આ દરમિયાન આ વિસ્તારમાં લગાવેલા સીસીટીવી ફુટેજ પણ ચેક કર્યા હતા. જેમાં પણ વહેલી સવારે જે તે સમયે કોઈ શંકાસ્પદની અવરજવર સામે આવી ન હતી. ત્યારબાદ પોલીસે ઘર માલિક કેશુર જોગલ અને તેના પત્નીના નિવેદન નોંધ્યા હતા. જે નિવેદનમાં વિરોધાભાસ સામે આવ્યો હતો. જેને લઈને લૂંટ કરી નાશી ગયેલા શખ્સોની પાછળ તેનો પુત્ર બાબુ ગયો હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે તેનો સંપર્ક કરી ઘરે બોલાવ્યો હતો. ત્રણ ચાર કલાક બાદ બાબુ પડી ભાંગ્યો હતો અને પોતાએ જ લૂંટનું નાટક ઉભું કર્યું હોવાનું કબૂલ્યું હતું. આજથી પાંચ-છ વર્ષ પૂર્વે પોતાના લગ્ન એક જ વર્ષમાં વિચ્છેદ થયા હતા અને પત્નીને આપેલા દાગીના પરત લઈ લીધા હતા. જોકે, ત્યારબાદ તેનું અન્ય જગ્યાએ સગપણ થયું ન હતું. બીજી તરફ કોરોનાને કારણે લોકડાઉન થતા પૂર્વે પોતે જબલપુર ખાતે નોકરી કરવા ગયો હતો. જ્યાં એક યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ ઉપરાંત પોતે કબડ્ડી રમવાનો શોખ હોવાથી અને અન્ય રાજ્યમાં કબડ્ડી રમવા જતો હોવાથી આર્થિક સંકળામણ ઉભી થતી હતી. જેથી પોતાની પ્રેમિકાને ભેટ આપવા અને કબડ્ડીનો શોખ પૂરો કરવા માટે તેના ઘરમાં પૂર્વ પત્નીને આપેલો સોનાનો હાર નજરે પડતા જેને લઈને ઘરમાંથી સોનાના હારની ચોરી કરી વેચી માર્યો હતો.

આ ઘટનાની પોતાની માતાને જાણ કરી તે ઘરેથી નીકળી ગયો હતો અને તેની માતાને લૂંટ અંગે પોલીસને જાણ કરવા કહ્યું હતું. પરંતુ પોલીસ તપાસમાં ભાંડો ફૂટી જતા સમગ્ર ઘટના સામે આવી હતી. યુવાન બાબુ જોગલે તો હાર કેટલાય સમયથી વેચી માર્યો હતો, પરંતુ પોતાના મોટાભાઈના પત્નીને લગ્ન પ્રસંગે બહાર ગામ જવાનું હોવાથી તેઓએ હાર પહેરવા માંગ્યો હતો. હાર વેચી નાખ્યો છે એમ ઘરે ભાંડો ફૂટી જશે એમ લાગતા બાબુએ માતાને સમજાવી લૂંટનું નાટક કરવા કહ્યું હોવાનું પોલીસ તપાસમાં જાહેર થયું છે.