અત્યાર સુધી ચાર મૃતદેહો મળી આવ્યા, વાયુસેનાએ અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે

જામનગર મોર્નિંગ - દિલ્હી


તમિલનાડુના કુન્નુરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. હેલિકોપ્ટરમાં સીડીએસ બિપિન રાવત, તેમની પત્ની સહિત 14 લોકો સવાર હતા. અત્યાર સુધી 11 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. વાયુસેનાએ અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે. હેલિકોપ્ટર દુર્ઘટના બાદ કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ CDS બિપિન રાવતના ઘરે પહોંચ્યા છે. સંરક્ષણ મંત્રી બપોરે દિલ્હીમાં તેમના સત્તાવાર નિવાસસ્થાને પહોંચ્યા હતા. થોડા સમય પછી રાજનાથ સિંહ તમિલનાડુમાં થયેલા અકસ્માતને લઈને સંસદમાં નિવેદન આપશે. 

​​​​​​​બીજી બાજુ, દિલ્હીમાં આ દુર્ઘટનાની માહિતી મળ્યા બાદ હલચલ વધી હતી અને પીએમઓને ઘટનાની જાણ કરવામાં આવી હતી. દિલ્હીમાં કેન્દ્રીય કેબિનેટની ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં એનએસએ અજીત ડોભાલ પણ હાજર હતા.

આ દરમિયાન કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ કહ્યું કે, પ્રાથમિક માહિતી અનુસાર સીડીએસ જનરલ બિપિન રાવતને સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. તેમણે કહ્યું, સીડીએસ જનરલ બિપિન રાવત ચોપર અકસ્માતનો ભોગ બન્યાના સમાચારથી દુખી છું. હું આ ઘટના વિશે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છું. પ્રાથમિક માહિતી અનુસાર જનરલ રાવતને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

​​​​​​​સીડીએસ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થતાં ઘટનાસ્થળે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ પછી ઘાયલ લોકોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે, જેમના મૃતદેહ મળી આવ્યા છે.​​​​​​ હાલમાં સેના દ્વારા આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. સમાચાર અનુસાર, બિપિન રાવત એક લેક્ચર સીરિઝમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. હેલિકોપ્ટરમાં જનરલ રાવત ઉપરાંત તેમના પત્ની, તેમના ડિફેન્સ આસિસ્ટન્ટ, સુરક્ષા કમાન્ડો અને ભારતીય વાયુસેનાના જવાનો હતા.

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, ચોપર તમિલનાડુના વેલિંગ્ટનમાં આવેલી ડિફેન્સ સર્વિસ કોલેજ જઈ રહ્યો હતો. આ દરમિયાન દુર્ઘટના બની હતી. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ ભીષણ આગ લાગી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ધુમ્મસના કારણે આ દુર્ઘટના બની હતી. જે વિસ્તારમાં હેલિકોપ્ટર પડ્યું તે જંગલ વિસ્તાર છે.

જ્યાં હેલિકોપ્ટર ક્રેશ થયું તે વિસ્તાર ખૂબ જ ગીચ છે અને ચારેય બાજુ વૃક્ષો છે. અકસ્માત બાદ ચારેય બાજુ આગ જોવા મળી રહી હતી. પોલીસની સાથે આર્મી અને એરફોર્સના જવાનો બચાવ માટે પહોંચી ગયા છે. સ્થાનિક લોકો પણ બચાવ કાર્યમાં મદદ કરી રહ્યા છે. આસપાસના વિસ્તારમાં પણ સર્ચ ચલાવવામાં આવી રહ્યું છે. આ હેલિકોપ્ટર Mi-સિરીઝનું હતું. 

મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટરમાં સેનાના વરિષ્ઠ અધિકારીઓ સહિત 14 લોકો સવાર હતા. તમિલનાડુના કુન્નૂરમાં આ દુર્ઘટના બની હતી. કેટલાક ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હેલિકોપ્ટર ક્રેશ થયું તે સ્થળની તસવીરો પણ સામે આવી રહી છે, જેમાં હેલિકોપ્ટરનું કાટમાળ અને ધુમાડો તથા આગ જોવા મળી રહી છે.