શું ગુજરાતનો 1600 કિમી લાંબો દરિયાકિનારો ડ્રગ્સ કોરીડોર બની રહ્યો છે?

જામનગર મોર્નિંગ - જામનગર 

(સંકલન -  પાર્થ આર. નથવાણી) 


ગુજરાતમાં યુવાધનને ડ્રગ્સ દ્વારા બરબાદ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે, ડ્રગ્સની હેરાફેરી અને ડ્રગ્સનુ વેંચાણ ગુજરાતમાં મોટાપાયે થતું હોવાનું ખુલી રહ્યું છે ત્યારે છેલ્લા કેટલા મહિનાઓમાં ઝડપાયેલા આંકડા

ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી છેલ્લા કેટલાક મહિનામાં અંદાજિત 24,800 કરોડનું ડ્રગ્સ ગુજરાત પોલીસ અને નાર્કોટિક્સ સેલ દ્વારા ઝડપી પાડયું હોવાની માહિતી મળી છે.

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન જેવા દેશોમાંથી દરિયાઈ માર્ગે ગુજરાતમાં ડ્રગ્સ લાવવામાં આવી રહ્યું છે, ગુજરાતથી બીજા રાજ્યો અને દેશોમાં ડ્રગ્સ મોકલવામાં આવી રહ્યું છે, અને ગુજરાતમાં પણ ડ્રગ્સનું સેવન વધ્યું છે. ડ્રગ્સની હેરાફેરીમાં વિધાર્થીઓ અને મહિલાઓનો ઉપયોગ થઈ રહ્યો છે તો બીજી તરફ ગુજરાતનું યુવાધન મોટાપાયે ડ્રગ્સનું સેવન કરવા લાગ્યું છે.

સુરત(તા.12-2-2021) : ધોરણ 9ના વિદ્યાર્થીના સ્કૂલ-બેગમાં અંદાજે 1.98 લાખની કિંમતનો 2 કિલોગ્રામ જેટલો અફીણનો જથ્થો

સુરતમાં અફીણની હેરાફેરીમાં વિદ્યાર્થીનો ઉપયોગ કરાયો હોવાનું સામે આવ્યું છે.સુરતમાં એક વિદ્યાર્થી બે કિલોના અફીણના જથ્થા સાથે ઝડપાયો પોલીસ પૂછપરછમાં વિદ્યાર્થીઓ અફીણની ડિલીવરી કરતા હોવાનું બહાર આવ્યું છે. આ અફીણ રાજસ્થાનના ચિત્તોડગઢથી સુરત લાવવામાં આવ્યું હતું. જેને વિદ્યાર્થીઓ સ્કૂલ બેગમાં છુપાવીને તેની હેરાફેરી કરતા હતા. જો કે પુણા પોલીસને શંકા જતા નિયોલ ચેકપોસ્ટ ઉપરથી વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓની બેગની તલાસી લેતા વિદ્યાર્થીની સ્કૂલ બેગમાંથી બે કિલો અફીણ મળી આવ્યું હતું. ધોરણ 9ના વિદ્યાર્થીના સ્કૂલ-બેગમાં અંદાજે 1.98 લાખની કિંમતનો 2 કિલોગ્રામ જેટલો અફીણનો જથ્થો હતો. તે રાજસ્થાનથી સુરતમાં ડિલિવરી કરવા આવી રહ્યો હતો.

સુરત(તા.12-2-2021) : 40 કિલો ગાંજો ઝડપાયો

સુરત એસઓજીએ 40 કિલો ગાંજો પકડી પાડ્યો છે. 4 લાખની કિંમતનો ગાંજો જપ્ત કરાયો છે. ગાંજા સાથે 4 આરોપીની એસઓજીએ ધરપકડ કરી છે. જેમાં 2 મહિલા અને 2 પુરૂષ આરોપી છે. આ ગાંજો ટ્રેન મારફત ઓરિસ્સાથી સુરત લાવ્યા હતા.

સુરત(17-11-2021) સરથાણામાં એમડી ડ્રગ્સ લેબોરેટરી ઝડપાઈ

સુરતના સરથાણા વિસ્તારમાંથી એમડી ડ્રગ્સની લેબોરેટરી પકડાવાના મામલે પોલીસને વધુ એક સફળતા મળી છે. પોલીસે કોસાડ આવાસમાં રહેતા ત્રીજા આરોપી ફૈઝલની ધરપકડ કરી છે. ફૈઝલ ડ્રગ્સના મામલે જૈમીન સવાણીની મદદ કરતો હતો. રાજસ્થાનથી ડ્રગ્સ લાવનાર પ્રવિણ વાનાની પહેલા જ પોલીસે ધરપકડ કરી છે. સિન્થેટિક એમડી ડ્રગ્સ બનાવનાર જૈમીનની પણ પોલીસે ધરપકડ કરી છે. આ કેસમાં રાજસ્થાનથી ડ્રગ્સ મોકલનાર આશુરામ હજુ પોલીસ પકડથી દૂર છે.

સુરત(25-9-2021) : કડોદરા પાસે 19.62 લાખ રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું

ક્રાઈમ બ્રાન્ચે કડોદરા નિયોલ ચેકપોસ્ટ પરથી સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે 19.62 લાખ રૂપિયાના ડ્રગ્સને ઝડપી પાડ્યું હતું. ગાડીમાં મેફેડ્રોન ડ્રગ્સ લાવતા ત્રણ આરોપીને પણ ઝડપી પડાયા હતા. પોલીસે આરોપી પાસેથી 196.2 ગ્રામ ડ્રગ્સ કબજે કર્યું હતું. આરોપીઓ આ ડ્રગ્સ મુંબઈથી લાવ્યા હોવાનું સામે આવ્યું હતું.

વલસાડ(4-8-2021) : વલસાડમાં 85 લાખનું 4.5 કિલો એમડી ડ્રગ્સ ઝડપાયું

વલસાડના વાપી જીઆઇડીસી વિસ્તારમાં આવેલા ડુંગરી ફળિયામાંથી ગુજરાત નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોની ટીમે દરોડા પાડીને 4.5 કિલો એમડી ડ્રગ્સ, 85 લાખ રોકડ સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા.

રાજકોટ(તા.12-2-2021) : ગોંડલમાં 10.6 મિલિગ્રામ ડ્રગ્સ સાથે 2 ઝડપાયા

રાજકોટના ગોંડલથી 10.6 મિલિગ્રામ ડ્રગ્સ સાથે બે શખ્સને એસઓજીએ ઝડપી પાડ્યા છે. 1 લાખથી વધુ કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે. અસરફ સોલંકી અને જુમ્મા લંઘા નામના આરોપીને મુદ્દામાલ સાથે ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આરોપીઓ નશીલા પદાર્થનું વેચાણ કરી રહ્યા હતા.

રાજકોટ(20-11-2021) રાજકોટમાંથી 7 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું

રાજકોટમાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે કચ્છના વતની મુસ્તાક અબ્દુલ ધીસોરાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મુસ્તાક પાસેથી 70 હજારનું 7 ગ્રામ મેફેડ્રોન ઝડપ્યુ હતું. સોમનાથ-વેરાવળથી ડ્રગ લાવ્યાની એસઓજી સમક્ષ કબૂલાત કરી હતી.

જામનગર(22-11-2021) : જામનગરથી રૂ.10 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

જામનગરથી ઝડપાયેલા રૂ.10 કરોડના ડ્રગ્સના મામલે તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. આ ઝડપાયેલા ડ્રગ્સની જખૌના દરિયામાં ડિલિવરી થઈ હતી. આ જખૌના દરિયામાંથી રહીમ હાજી અકબર ડ્રગ્સ લાવ્યો હતો. અને તેની સાથે અનવર પટેલીયા પણ સામેલ હતો. આ અગાઉ પકડાયેલા અનવર પટેલીયા જખૌથી ડ્રગ્સ લાવવામાં પણ સામેલ હતો. રૂપિયા 10 કરોડનું હેરોઈન લાવીને બેડી મરીન એરિયામાં સંતાડાયુ હતું.

દ્વારકા(17-11-2021) નાવદ્રા બંદરેથી રૂ.120 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

ગુજરાત એટીએસએ 120 કરોડની કિંમતનું 24 હેરોઈનનો જથ્થો પકડી લીધો હતો. આ જથ્થો દ્રારકાના કલ્યાણપુર તાલુકાના નવાદ્રા બંદરથી ઝડપાયો છે. એટીએસએ રાજસ્થાન અને જોડિયાથી 3 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં પકડાયેલા આરોપી જબ્બારે ડ્રગ્સ છુપાવ્યાની કબુલાત કરી હતી ત્યાર બાદ એટીએસએ દ્રારકાના કલ્યાણપુરા તાલુકાના નાવદ્રાના અનવર ઉર્ફે અનુમુસા પટેલીયાના ઘરે છુપાવેલા ડ્રગ્સના જથ્થાને ઝડપી પાડ્યો હતો. 12 કિલો હેરોઈનની રાજસ્થાનમાં ડિલવરી કરવામાં આવી હતી.

દ્વારકા કેસઃ મોરબીના ઝીંઝુડા ગામેથી રૂ.600 કરોડનું ડ્રગ્સ

એટીએસ દ્વારા મોરબીના ઝીંઝુડા ગામેથી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું. આ ડ્રગ્સ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ત્રણેય આરોપીઓને આજે મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. એટીએસ દ્વારા 24 કલાક કામગીરી કરીને 600 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું. તમામ આરોપીઓને હાલ મોરબી જિલ્લામાં જ રાખવામાં આવ્યા છે.

દ્વારકા(તા.10-11-2021) : ખંભાળિયા હાઇવેથી 350 કરોડથી વધુ કિંમતનું 66 કિલો ડ્રગ્સનું ડ્રગ્સ ઝડપાયું

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા હાઈવે પરથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં ખંભાળિયા આરાધના ધામ પાસે કારમાંથી અંદાજિત 66 કિલોનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. જેની કિંમત 350 કરોડથી વધુની જણાવાઈ રહી છે. આ ડ્રગ્સ સમુદ્ર રસ્તે આવી રહ્યું હોવાની બાતમી મળી હતી. જેમાં દ્વારકા એસઓજી અને ગુજરાત એટીએસ દ્વારા સંયુક્ત રીતે તપાસ કરવામાં આવી રહી છે. આ અગાઉ મુદ્રા પોર્ટ પર પણ ડ્રગ્સનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો હતો.

પોરબંદર(23-9-2021) : પોરબંદરમાં પકડાયું હતું 150 કરોડની કિંમતનું 30 કિલોગ્રામ હેરોઈન

પોરબંદરનાં દરિયામાંથી ૧૫૦ કરોડના ડ્રગ્સ સાથે પકડાયેલા ૭ ઈરાનીઓને પોરબંદર લાવવામાં આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ ૩૦ કિલોગ્રામ હેરોઈનનો જથ્થો કબજે કરી સઘન પુછતાછ હાથ ધરી છે. 'જુમા હુસેન' બોટના આ ખલાસીઓ પાસેથી હેરોઈનનો જથ્થો કયાંથી આવ્યો? કોને મોકલવાનો હતો? ડ્રગના હેરાફેરી પ્રકરણમાં કોણ - કોણ સંડોવાયું છે? તેની વિગતો પુછપરછ બાદ બહાર આવે તેવી સંભાવના સુત્રોએ દર્શાવી હતી.

ગુજરાત દરિયાઈ સીમા(19-9-2021) : એટીએસએ 250 કરોડનો હેરોઈનનો જથ્થો ઝડપાયો

ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં ભારતીય જળ સીમામાંથી અંદાજીત રૂપિયા 250 કરોડના હેરોઇન સાથે 7 ઈરાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. ભારતીય જળ સીમામાંથી 50 કિલો હેરોઇન ઝડપી પાડ્યું હતું. ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે, મોટી માત્રામાં ગુજરાતમાં ડ્રગ્સ પહોંચાડવામાં આવી રહ્યું છે. જે માહિતીના આધારે ગુજરાત એટીએસએ કાર્યવાહી કરી હતી.

કચ્છ(તા.30-11-2021) : ભુજમાંથી ઝડપાયું 12 કિલોગ્રામ ચરસ, 2 આરોપી ઝડપાયા

કચ્છના ભુજમાંથી 12 કિલોગ્રામ ચરસ ઝડપાયું છે. ડ્રગ્સ જથ્થા સાથે બે આરોપી ઝડપાયા છે. પશ્ચિમ કચ્છ એસઓજીએ કાર્યવાહી કરી છે. તો ડ્રગ્સ દરિયાઈ વિસ્તારમાં તણાઈ આવ્યાનુ પ્રાથમિક અનુમાન લગાવાયું છે. આ અંગે વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.

કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી 21,000 કરોડનું 3,000 કિલો ડ્રગ્સ ઝડપાયું

કચ્છના મુન્દ્રા પોર્ટમાં ટેલ્કમ પાવડરની આડમાં અંદાજે 21 હજાર કરોડની કિંમતનો 3 હજાર કિલો હેરોઈનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. ડીઆરાઈની ટીમે મુન્દ્રામાં આ હેરોઈનનો જથ્થો પકડી પાડ્યો હતો, જે અત્યાર સુધીનો મળી આવેલો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો હતો.


કચ્છ(તા.17-4-2021) : આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદે 150 કરોડના હેરોઈન સાથે 8 પાકિસ્તાની ઝડપાયા

આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદે 150 કરોડના હેરોઈન સાથે 8 પાકિસ્તાની શખ્સો ઝડપાયા હતા. ભુજની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે ગુનાની ગંભીરતા સમજી આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપીઓની કસ્ટડી એટીએસ ગુજરાતને સોંપાઈ હતી. પકડાયેલા હેરોઇનની કિંમત 150 કરોડ આંકવામાં આવી હતી. હેરોઈનના પેકેટ પાકિસ્તાની બોટમાં યુક્તિપૂર્વક છુપાવાયા હતા.

અમદાવાદ બોપલમાં હાઈપ્રોફાઇલ ડ્રગ્સ કાંડ

અમદાવાદના બોપલ હાઇપ્રોફાઇલ ડ્રગ્સ કાંડનો મામલો સામે આવ્યો હતો. મુખ્ય આરોપી વંદિત પટેલની પૂછપરછમાં અનેક લોકોના નામ સામે આવ્યા છે. તો કેટલાક ડ્રગ્સ પેડલરોને પણ ઝડપી પાડવામાં આવ્યા છે.

અમદાવાદ(24-10-2021) અમદાવાદમાંથી 25 લાખની કિંમતનું 250 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું

અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે 25 લાખની કિંમતનું 250 ગ્રામ ડ્રગ્સ ઝડપ્યું હતું. આ સાથે બે ડ્રગ્સ માફિયાઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા બન્ને આરોપીઓ રાજસ્થાનથી સરકારી ST બસમાં ડ્રગ્સનો જથ્થો લઈને અમદાવાદ આવવા માટે નીકળ્યા હતા, પરંતુ પોલીસે જાણકારીના આધારે બન્નેને એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હતા.

અમદાવાદ(12-8-2021) : અમદાવાદમાંથી 20 કરોડનું કોકેઈન ડ્રગ્સ ઝડપાયું

અમદાવાદમાં બે સ્થળેથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. ગુજરાત એનસીબીને 20 કરોડનું કોકેઈન ડ્રગ્સ ઝડપાયું હતું. જેની કિંમત 20 કરોડ આંકવામાં આવી હતી. ત્યારે એનસીબી દ્વારા પિલ્લાઇની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. પિલ્લાઈ અગાઉ પણ કેટલીક વાર ડ્રગ્સ માટે અમદાવાદ આવી ચૂક્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. પિલ્લાઈની સાથે અન્ય એક આરોપીની પણ પોલીસે ધરપકડ કરી હતી.

અમદાવાદ(તા.20-1-2021) : શાહીબાગથી 5 કરોડની કિંમતનો 1 કિલો ડ્રગ્સ ઝડપાયો

એટીએસની ટીમે મુંબઇથી આવતા શખ્સની એક કરોડની કિંમતના એક કિલો ડ્રગ્સ સાથે અમદાવાદથી ધરપકડ કરી હતી. કાર્યવાહી માટે એટીએસની ટીમે વોચ રાખીને આરોપીને શાહીબાગથી ઝડપી પાડ્યો હતો. ગુજરાત એટીએસ વધુ તપાસ હાથ ધરતા માલુમ પડ્યું કે મેથામ્ફેટામાઇન નામનું ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 5 કરોડ હોવાનું અનુમાન લગાવવામાં આવે છે.

ડીસા(27-7-2021) : ડીસા શહેરમાંથી 8 લાખના મુદ્દામાલ સાથે ડ્રગ્સ ઝડપાયું

ડીસા શહેર દક્ષિણ પોલીસે બાતમીના આધારે ડીસા શહેરમાં આવેલી મોઢેશ્વરી સોસાયટીના એક રહેણાંક મકાનમાંથી અંદાજિત 8 લાખ રૂપિયાની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે 1 શખ્સની અટકાયત કરી હતી. તેના ઘરમાંથી 338.60 ગ્રામ ગાંજો, 59.760 ગ્રામ સ્મેક અને 18.25 ગ્રામ મેફેડ્રોનનો જથ્થો અને 3 મોબાઈલ રોકડ 6,350 સહિત તમામ જથ્થોની કિંમત 7,96,700 રૂપિયા હતી. પોલીસે આ તમામ જથ્થા સાથે શુભમકુમાર પટેલ ઉર્ફે પાબ્લો ઇસ્કોનની અટકાયત કરી હતી.


ગાંધીના ગુજરાતમાં દારૂબંધી, પરંતુ ડ્રગ્સની રેલમછેલ.

પહેલા ગુજરાતમાં બહારથી ડ્રગ્સ પહોંચાડવામાં આવતું અને હવે ડ્રગ્સ માટે મેન્યુફેક્ચરિંગ હબ બનતું જાય છે, ગુજરાતમાં ડ્રગ્સ બનાવતી ફેકટરી ઝડપાઈ

ગુજરાત ભલે દારૂબંધીના નામે ગર્વ લેતુ હોય, પરંતુ ગુજરાતમા જે રીતે દારૂ પકડાય છે, દારૂની મહેફિલો પકડાય છે અને દારૂ પીનારા પકડાય છે તેના પોલીસ ચોપડે પુરાવા બોલે છે. છેલ્લા દોઢેક વર્ષમાં ગુજરાતના રસ્તે જેટલો ડ્રગ્સ આવ્યો છે તેટલો દેશના કોઈ રાજ્યમાં આવ્યો નહિ હોય. ગુજરાતમાં કરોડોનો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. પરંતુ હવે ગુજરાતમાં સ્થિતિ એવી બદલાઈ છે કે ગુજરાતમાં હવે ડ્રગ્સ બનવા લાગ્યુ છે. પહેલા ગુજરાતમાં બહારથી ડ્રગ્સ આવતુ હતું, પરંતું ગુજરાત હવે ડ્રગ્સ માટે મેન્યુફેક્ચરિંગ હબ બન્યું છે, એક જ દિવસમાં ગુજરાતમાં ડ્રગ્સ બનાવતી બે ફેક્ટરી ઝડપાઈ છે. જે બતાવે છે કે ગુજરાતમાં ગુનાખોરી બેફામ બની રહી છે અને ગૃહમંત્રી પાકિસ્તાની આકાઓનો ઓડિયો જાહેર કરીને ખુશ થાય છે. પરંતુ ઘર આંગણે બનતી ડ્રગ્સની ફેક્ટરીઓનું શું! ગુજરાતમાં એક જ દિવસમાં ભરૂચના પાનોલી અને વડોદરાના સાવલીની ફેક્ટરીઓમાં ગુજરાત એટીએસએ રેડ કરીને મોટી માત્રામાં એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.

ભરૂચમાં બનતુ હતું ડ્રગ્સ

ભરૂચ જિલ્લા એસઓજીની ટીમે મંગળવારે પુનઃ પાનોલી જીઆઈડીસી સ્થિત ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાં રેડ કરી હતી. આ વખતે કંપનીમાંથી એસઓજીની ટીમે અંદાજીત 90 કિલો એમડી ડ્રગ્સનો જથ્થો પડકી પાડયો હોવાની માહિતી સાંપડી છે. જેની પણ આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજીત રુ.1300 કરોડ જેટલી થાય છે.

સાવલીમાં ફેક્ટરી ઝડપાઈ

ભરૂચ બાદ વડોદરાના સાવલીમાં એક ફેક્ટરીમાં ગુજરાત એટીએસએ રેડ કરીને 200 કિલો એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજારમાં રુ. 1000 કરોડ જેટલી કિંમત થાય છે. એટીએસએ સાવલીના મોકસી ગામની નેક્ટર કેમ કંપનીમાં રેડ કરીને આ જથ્થો ઝડપી પાડ્યો છે. એટીએસની ટીમે ડ્રગ્સનું વજન કર્યું હતું. ગુજરાત એટીએસ દ્વારા વડોદરાના મોકસી ગામની કંપનીમાંથી 13 જેટલા મોટા બોક્સમાં ડ્રગ્સ ભરીને ગાડીમાં મૂકવામાં આવ્યું હતું.


ચોંકાવનારી બાબત તો એ છે કે, ગુજરાત પોલીસના નાક નીચે ગુજરાતમાં ડ્રગ્સ બની રહ્યું છે, છતાં સરકાર ચૂપ બેસી છે. ગુજરાત પોલીસ ઊંઘતી ઝડપાઈ છે, અને બહારના રાજ્યની પોલીસ ગુજરાતમાં આવીને ડ્રગ્સની ફેક્ટીઓ પકડે છે. શું ગુજરાત પોલીસને ડ્રગ્સની ધમધમતી ફેક્ટરીઓ દેખાતી નથી. ગુજરાતમાં જે એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે, તેમાંથી અડધો ટન ડ્રગ્સ તો મુંબઈની એન્ટી નાર્કોટિક્સ સેલ પકડી ગઈ છે. તો શું ગુજરાત પોલીસ માત્ર દારૂડિયાઓને પકડીને ફોટા પાડવાથી ખુશ થઈ જાય છે.

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ઠેરઠેર દારૂની બંધી છે. ગુજરાતમાં માત્ર નામની દારૂબંધી છે. સરકાર દારૂબંધી પર નક્કર પગલા લઈ શક્તી નથી, ત્યારે ડ્રગ્સનુ જે દૂષણ વધ્યુ તેમાં શું કરશે. સરકાર સમયસર પગલા નહિ લે તો ગુજરાતનુ યુવાધન દારૂની સાથે ડ્રગ્સના રવાડે જલ્દી ચઢી જશે.


ડ્રગ્સ માફિયાઓની નજર ગુજરાતના દરિયાકિનારા પર કેમ પડી?: ગુજરાત દરિયાકિનારો અત્યાર સુધી સુરક્ષિત હતો: યુવાધનને બરબાદ કરવાનું કાવતરું છે કે શું?

સૌરાષ્ટ્રનો દરિયા કિનારો હવે ડ્રગ્સ માફિયાઓની નજરમાં ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાનો કોરિડોર તરીકે ઉપસી રહ્યો છે. પાછલા બે વર્ષ દરમિયાન કચ્છથી જામનગર સુધીના દરિયાકાંઠા વિસ્તારમાંથી હજારો કિલો ડ્રગ્સ પકડાયું છે. આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાવાની ઘટના કદાચ ગુજરાતના ઇતિહાસની પ્રથમ ઘટના છે. એક સમય હતો કે સૌરાષ્ટ્રનો દરિયા કિનારો ગેરકાયદેસર હથિયારો અને સોનાની દાણચોરી માટે કુખ્યાત હતો, પણ સમય જતાં હથિયાર અને સોનાની દાણચોરી પર અંકુશ મેળવી લેવામાં આવ્યો હતો.

ફરી એક વખત દાણચોરીનો ખતરો ઉભો થયો છે

ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારા પર ફરી એક વખત દાણચોરીનો ખતરો ઉભો થયો છે. આ વખતે સોનુ કે હથિયાર નહીં પરંતુ જીવતરને બરબાદ કરી મૂકે તેવા ડ્રગ્સની દાણચોરી થઈ રહી છે, જે ખૂબ ચિંતાનો વિષય છે. આવનારા સમયમાં દાણચોરી કોઈ મોટા ગંભીર પરિણામ સુધી લઈ જાય તે પહેલા આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ પર રોક લગાવવાની ખૂબ જરૂરી છે. ઈ ટીવી ભારતનો સ્પેશ્યિલ રીપોર્ટ શું ગુજરાતનો દરિયાકિનારો ડ્રગ્સની દાણચોરી માટેનું કોરીડોર બની રહ્યું છે.

આતંકવાદીઓનું કારસ્તાન તો નથી ને?

થોડા દિવસો પૂર્વે કચ્છના મુન્દ્રા બંદરેથી કેટલાક કન્ટેનરોમાંથી 2,988 કિલોગ્રામ જેટલો હેરોઇનનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો, તો બીજી તરફ પોરબંદરના દરિયાકાંઠા વિસ્તારમાંથી 35 કિલો હેરોઈનના જથ્થા સાથે કેટલાક ઈરાની લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગઈકાલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદર નજીકથી 500 કિલો જેટલા હેરોઇનના જથ્થાને પકડી પાડવામાં સફળતા મળી છે. 1,600 કિલોમીટર લાંબો દરિયા કિનારો ગુજરાતને સમૃદ્ધ અને સક્ષમ બનાવી રહ્યું છે, ત્યારે આ દરિયા કિનારા પર ડ્રગ્સ માફિયાઓ જાણે કે પોતાનું વર્ચસ્વ સ્થાપવા માગતા હોય તે પ્રકારે દરિયા કિનારાને ડ્રગ્સના કોરિડોર તરીકે કુખ્યાત કરી રહ્યા છે. કે પછીઆતંકવાદીઓનું કારસ્તાન છે, કે ડ્રગ્સના રવાડે ચઢાવીને યુવાઘનને બરબાદ કરવું.


આ ડ્રગ્સનો જથ્થો કોણ ખરીદી રહ્યું છે? તે તપાસનો વિષય

ગુજરાતનો 1,600 કિલોમીટર લાંબો દરિયા કિનારો પ્રાકૃતિક સંપત્તિ અને માછીમારી માટે ખૂબ ફળદ્રુપ માનવામાં આવે છે, પરંતુ હવે દરિયાકિનારાનો ઉપયોગ ડ્રગ્સ માફિયાઓ માદક પદાર્થોને હેરાફેરી માટે કરી રહ્યા છે, તેવા ચિંતાજનક અહેવાલો મળી રહ્યા છે. ગુજરાતનો દરિયા કિનારો કચ્છથી લઈને જામનગર સુધી પાકિસ્તાન સાથે દરિયાઈ સીમાથી જોડાયેલો છે અને જે ડ્રગ્સ અને માદક પદાર્થો દરિયાઈ માર્ગે ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે, તેનું સીધું કનેક્શન પાકિસ્તાન અને અફઘાનિસ્તાન માનવામાં આવે છે. ત્યારે પાછલા બે વર્ષ દરમિયાન અંદાજિત 5,756 કિલો કરતાં વધુ પ્રમાણમાં કોકેઈન હિરોઈન ચરસ ગાંજા સહીત એમડી ડ્રગ્સનો જથ્થો દરિયાઈ માર્ગે ગુજરાતમાં ઘૂસાડવામાં આવી રહ્યો છે, આ ચિંતાનો વિષય છે. મોટે ભાગે ડ્રગ્સની દાણચોરી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી થઈને ગુજરાતમાં ઘૂસાડવામાં આવી રહી છે. ગુજરાતમાં આટલા મોટા પ્રમાણમાં માદક અને ડ્રગ્સ ઘુસાડવા પાછળ યુવા પેઢીને બરબાદ કરવા માટેની ડ્રગ્સ માફિયાઓનો પ્રયાસ હોઈ શકે છે. પરંતુ આટલા મોટા પ્રમાણમાં ગુજરાતમાં આવેલું ડ્રગ્સ કોણ ખરીદી રહ્યું છે તે પણ તપાસનો વિષય બની શકે છે. 90 લોકોની ઘરપકડ કર્યા પછી પોલીસ પુછપરછમાં ખૂબ મોટી લીંક મળે તેવી શકયતાઓ છે.

ગુજરાત માટે આ સમાચાર ચિંતાજનક છે

તારીખ 12/ 8/ 2018 ના દિવસે દ્વારકાના સલાયાથી 300 કિલો હિરોઈનનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. તારીખ 21/ 5/ 2019 ના દિવસે કચ્છના જખો બંદર પરથી બે બોટમાંથી 218 કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું. તારીખ 7/9/2021 ના રોજ કચ્છના મુન્દ્રા બંદર પરથી ઈરાનમાંથી બે કન્ટેનરોં દ્વારા મોંકલવામાં આવેલું 2,988 કિલો હેરોઇન પકડાયું હતું, જેમાં પાંચ આરોપીને પણ પકડી પાડવામાં આવ્યા હતા. તારીખ 19/9/2021 ના રોજ પોરબંદરમાંથી સાત ઈરાની નાગરિકોને 35 કિલો હિરોઈન સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા, ત્યારે ગઇકાલે સલાયા અને જામખંભાળિયા દરિયાઇ વિસ્તારમાંથી 11.48 કિલોની આસપાસ હેરોઈન અને 6.16 કિલોની આસપાસ એમડી ડ્રગ્સ પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે. વર્ષ 2018 થી લઈને 2021 સુધીમાં મોટા પ્રમાણમાં માદક પદાર્થોનો જથ્થો ગુજરાતના દરિયા કિનારા મારફતે ઘૂસાડવામાં દાણચોરી કરતા દાણચોરોએ સફળતા મેળવી છે, પરંતુ આટલા પ્રમાણમાં માદક પદાર્થો ઘુસાડવામાં દાણચોરો સફળ થયા છે. તે ખૂબ જ ચિંતાની સાથે તપાસનો વિષય પણ છે.

રાજ્યના ગૃહપ્રધાને આ મામલાને ગંભીર ગણાવ્યો

બુધવારે જ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે સરકાર આ મામલાને ખૂબ ગંભીરતાથી લઈ રહી છે અને પોલીસ તંત્રની સતર્કતાને કારણે જ આ પ્રકારનું ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. સત્તાવાર રીતે આકંડા જાહેર કર્યા હતા, તે મુજબ છેલ્લા 55 દિવસમાં પોલીસે ડ્રગ્સને લગતા 58 કેસ કરીને ગુના નોંધ્યા છે. અને 90 લોકોની ઘરપકડ કરી છે. 55 દિવસમાં 5700 કિલો ડ્રગ્સ જપ્ત કરાયું, જેની અંદાજે કિમત 250 કરોડથી વધુની થવા જાય છે.


આપણાં યુવાધનને ડ્રગ્સના દૂષણથી બચાવીએ

નશો માત્ર વ્યક્તિને બરબાદ નથી કરતો, વ્યક્તિના કુટુંબ, સમાજ, રાજ્ય અને રાષ્ટ્રને પણ બરબાદ કરે છે, યુવાનોમાં નશો ગુટખા કે દારૂથી આગળ વધીને ગાંજો, ભાંગ, હેરોઇન, કોકેઈન, ચરસ, સ્મેક અને ડ્રગ્સ સુધી પહોંચ્યો છે.  પંજાબ જેવા કેટલાંક રાજ્યોમાં ફેલાયેલું આ દૂષણ હવે દેશના ખૂણે ખૂણે ફેલાયું છે. છેલ્લા બે જ વર્ષમાં મહારાષ્ટ્ર, હરિયાણા, પંજાબ, અરુણાચલ, મણિપુર, મિઝોરમ અને ગુજરાતમાં હજારો કરોડનું ડ્રગ્સ ઝડપાયું.

દેશના યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવી બરબાદ કરવાનો અને વેપાર પણ કરી લેવાનો આ નવો આંતકવાદ છે, ડ્રગ્સનો વૈશ્વિક વેપાર 400 બિલિયન ડોલરનો છે, ડ્રગ્સ મુખ્યત્વે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઈરાન અને દુબઈથી ભારતમાં આવે છે, એ દેશોમાં અફીણની ખેતી થાય છે. પાકિસ્તાનથી આવતું ડ્રગ્સ પંજાબ સરહદેથી આવતું. જમીની સરહદે કડકાઈ વધતાં હવે દરિયાઈ માર્ગે આવે છે, છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતને ટાર્ગેટ કરાયું છે અને સૌરાષ્ટ્ર-કચ્છ-પોરબંદરના દરિયાઈ માર્ગે ગુજરાતમાં હેરાફેરી થાય છે.

ભારત સરકારના સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ ભારતના 16 કરોડ એટલે 14 ટકા લોકો દારૂના વ્યસની છે, 7.5 કરોડ એટલે 6 ટકાથી વધુ લોકો ડ્રગ્સના આદી બની ગયા છે અને 20 ટકા લોકો અન્ય નશાના બંધાણી છે. નશીલા પદાર્થોનું સૌથી વધારે સેવન, યુપી, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, ઉત્તરપૂર્વના રાજ્યો હવે ગુજરાતમાં થાય છે.

યુવાન જો અઠવાડિયામાં બે જ વખત ડ્રગ્સ સેવન કરે તો પણ મહિને ચારથી પાંચ હજારનો ખર્ચ આવે ડ્રગ્સ મહામૂલી જિંદગી ભરખી જાય અને પરિવારનું ધનોતપનોત કરી નાખે. શ્રીમંત ઘરમાં સામાજિક ફટકો પડે અને ગરીબ કે મધ્યમ વર્ગ આર્થિક રીતે પડી ભાંગે. પરણેલા યુવાનો ઘરડાં મા-બાપ, પત્ની, સંતાનો પર ધ્યાન ન આપી શકે, જોતજોતામાં ડ્રગ્સના ધુમાડામાં આખો પરિવાર રાખ થઈ જાય.

યુવાધન ડ્રગ્સના રવાડે ચડી રહ્યું છે તેમાં ડ્રગ્સ વેચનારાઓનો વાંક મોટો છે, પરંતુ આપણી જીવનશૈલીની કંઈક ઉણપ પણ ખરી. માતા-પિતા બાળકોને સમય ન આપે, સંયુક્ત પરિવાર ત્યજીને એકલા રહે, પૈસા હોય કે ના હોય, બાળકને વધારે પડતી છૂટ, એના દોસ્ત કોણ છે?,  એ ક્યાં જાય છે?, એ ફોન પર શું જુએ છે? એ બાબતે મા-બાપનું ધ્યાન ના હોય!  આ બધા કારણો પણ જવાબદાર ખરાં કે નહીં?


યુવાધનને નશાની ખાઈમાંથી પાછું લાવવાની લડત અશક્ય નથી, માતા-પિતા, પરિવાર, સરકાર, સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અને સાધુસંતોએ આ વિશે વિશેષ પ્રયત્નો કરવા રહ્યા. એક સમયે પ્રમુખ સ્વામી મહારાજે આ સમગ્ર દેશમાં વ્યસનમુક્તિ અભિયાન આદર્યુ હતું અને લાખો લોકોનું વ્યસન છોડાવીને અભૂતપૂર્વ અને ઐતિહાસિક કાર્ય કર્યું હતું. આજે ફરી એવા એક અભિયાનની જરૂર છે, સમાજે દરેક તબક્કે જાગૃતિ કેળવવી રહી, સામાજિક મેળાવડા, શાળા-કોલેજો, મંદિરના ઉત્સવ વગેરેમાં વ્યસનથી દૂર રહેવા માટેના જાગૃતિ કાર્યક્રમો, વક્તવ્યો, સૂચનો થાય લઇ, સોશિયલ મીડિયામાં વ્યસનથી થતાં નુકસાન અંગેના પોસ્ટરો, વીડિયો વાયરલ કરાય અને યુવાનો જેમાં સૌથી વધુ રસ ધરાવે છે તે ફિલ્મો, ગીતો વગેરેમાં પણ એના સર્જકો વ્યસન નાબૂદીના મેસેજ આપે તો ટૂંક સમયમાં ચોક્ક્સ સારું પરિણામ મળી શકે.

આપણા યુવાધનને આ અંધારિયા રસ્તે જતાં અટકાવવા કે પાછું લાવવા આપણે સામૂહિક પ્રયત્નો કરવા જ રહ્યા. હમણાં દિવાળી આવી રહી છે તો આપણે સૌ સંકલ્પ કરીએ કે એક વર્ષમાં આપણા દેશમાંથી ડ્રગ્સ નાબૂદ કરીને જ જંપીશુ.