જામનગર મોર્નિંગ - જામનગર

જામનગર નજીક સિક્કામાં એક હોલસેલ ના વેપારીના ગોડાઉનમાંથી 3.80 લાખના સામાનની ચોરી કરવા અંગેના પ્રકરણમાં તેના જ પૂર્વ કર્મચારીને પકડી પાડ્યા પછી સિક્કા પોલીસ દ્વારા તેને રિમાન્ડ પર લેવાયો હતો, અને તેની પાસેથી એક રીક્ષા કબજે લેવાઇ છે. જ્યારે તેને જેલમાં ધકેલી દેવાયો છે. જેણે કટકે કટકે માલસામાન અન્ય રીટેલ વેપારીઓને વેચી નાખી રોકડી કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે.

મળતી વિગત મુજબ જામનગર નજીક સિક્કામાં પંચવટી કોલોનીમાં રહેતા અને સિક્કામાં જલારામ એજન્સી નામની બાલાજી કંપનીના હોલસેલ ના માલ સામાનના વેચાણની પેઢી ધરાવતા જયેશભાઈ જગજીવનભાઈ બદીયાણી નામના વેપારીએ પોતાના ગોદામમાંથી 3.80 લાખના માલસામાનની ચોરી કરી જવા અંગે સિક્કામાં જ રહેતા અને પોતાને ત્યાં અગાઉ કામ કરી ચૂકેલા મુસ્તાક સુમરા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી.


વેપારી પેઢીના સંચાલકો અને તેના કર્મચારીઓએ તાજેતરમાં પરોઢિયે વોચ ગોઠવીને ગોદામમાં ચોરી કરવા આવેલા તેના જ પૂર્વ કર્મચારી મુસ્તાક ઈસ્માઈલભાઈ મકરાણી ને ઝડપી લીધો હતો, અને સિક્કા પોલીસને સુપ્રત કરી દીધો હતો.

સિક્કા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંતભાઈ પટેલે તેની ધરપકડ કરી લઈ, અદાલત સમક્ષ રજૂ કર્યો હતો, અને એક દિવસના રિમાન્ડ પર લીધો હતો. જેની રિમાન્ડ દરમિયાન પોતે જે રીક્ષામાં ચોરી કરવા આવ્યો હતો, તે રીક્ષા પોલીસ દ્વારા કબજે કરી લેવામાં આવી છે. જ્યારે વધુ પૂછપરછ માં તેણે કટકે કટકે 3.80 લાખ થી વધુ રકમની ખાદ્ય સામગ્રી ગોદામમાંથી છ મહિનાના સમયગાળા દરમિયાન કટકે કટકે ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી, 


ઉપરાંત તે તમામ માલસામાન સિક્કા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના રીટેલ વેપારીઓને વેચીને રોકડી કરી લીધી હોવાનું પણ કબૂલ્યું હતું. જે મામલે સિક્કા પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે. હાલ આરોપીની રિમાન્ડની મુદત પૂરી થતાં તેને જેલમાં ધકેલી દેવાયો છે.