જામનગર મોર્નિંગ - જામજોધપુર તા.૦૮ : વિધાનસભા - ૨૦૨૨ના ચુંટણી પરિણામમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કોંગ્રેસ સાફ થઇ ગઈ છે એક પણ બેઠક કોંગ્રેસની નથી આવી. ભાજપએ સાગમટે જીત મેળવી છે પણ આ બધા સમાચારોની વચ્ચે એક વાત આજે રાજકીય ગલીઓમાં ચર્ચાતી હશે કે જામજોધપુરનો એક નવ યુવાન હેમંત ખવા આટલો રાજકીય પરિપક્વ કેમ થઇ ગયો કે પોતાના દમ પર વિધાનસભા જીતી ગયો છે.


હેમંત ખવા મૂળ જામજોધપુરના વડીયા ગામનો રહેવાશી અને હાલ જામનગરમાં વસવાટ કરે છે હેમંત ખવાના પિતા હરદાસ ખવાના સમયથી તેઓ કોંગ્રેસમાં હતા અને ૫ વર્ષ જેટલા સમયથી કોંગ્રેસ સાથે છેડો ફાડીને પોતાના દમ પર પકડ બનાવી છે. ગત વિધાન ચુંટણી ૨૦૧૭માં તેમણે જામજોધપુર બેઠક પરથી કોંગ્રેસ પાર્ટી પાસે ટીકીટ માંગી પણ આપી નહી ત્યારથી તે નારાજ હતો પણ તે ૨૦૧૫થી લઈને ૨૦૨૦ સુધી કોંગ્રેસ પક્ષ તરફથી જીલ્લા પંચાયત સદસ્ય રહ્યો. ૨૦૨૧માં જયારે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી આવી ત્યારે કોંગ્રેસ પક્ષએ તેમને જીલ્લા પંચાયતમાં પણ ટીકીટ ના આપી જેથી તેમણે બહુજન સમાજવાદી પાર્ટી માંથી ટીકીટ લઈને જીતી બતાવ્યું જીલ્લા પંચાયત જીત્યા બાદ પણ તે એકદમ સક્રિય રહેતા સૌને લાગ્યું કે ધારાસભાની તૈયારી કરે છે. પણ ધારાસભ્ય બનવું સહેલું ના હતું અને કોઈ માની પણ ના શકે કે આવી રીતે ટુકા સમયમાં એક નવા પક્ષ આમ આદમી પાર્ટી માંથી ટીકીટ લઈને પોતાના દમ પર વિધાનસભાની ચુંટણી જીતી બતાવી. નવી સફળતા બાદ હેમંત ખવા નામના જામનગરના રાજકારણમાં એક નવા જ ચહેરાનો ઉદય થયો હોય એવું લાગે છે.