લંડનમાં 16 માર્ચ 2021માં ધરપકડ થયેલી: વેસ્ટમિનિસ્ટર અદાલતમાં મંગળવારે જુઓ શું દલીલો થઈ

જામનગર મોર્નિંગ 


જામનગરના ભૂમાફિયા જયેશ પટેલ લંડનમાં ઝડપાયો છે ત્યારથી ત્યાંની કોર્ટમાં ભારતને સોંપવો કે નહીં તે અંગે નિર્ણય લેવા પર દલીલો ચાલે છે ત્યારે મંગળવારે નવું ડેવલપમેન્ટ નોંધાયું છે, આ મામલે લંડનની અદાલતમાં પોણા બે વર્ષથી કેસ ચાલી રહ્યો છે અને જયેશ પટેલને ભારતને સોંપવો કે નહીં તેનો નિર્ણય ટૂંક સમયમાં થઈ શકશે. લંડનની વેસ્ટમિનિસ્ટર અદાલતમાં આ મામલો મંગળવારે મેજિસ્ટ્રેટ સમક્ષ મૂકવામાં આવ્યો હતો, અદાલત સાથે સંકળાયેલા સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, જયેશ પટેલને ભારત મોકલી આપવો કે કેમ? તે અંગેનો આખરી ફેંસલો ત્રીજી માર્ચે વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટ સંભળાવી શકે છે. જયેશને 2021માં  16 માર્ચે કોન્ટ્રાક્ટ કિલિંગ સહિતના આરોપસર ભારત સરકારની ભલામણના આધારે લંડન પોલીસે ઝડપી લીધો હતો ત્યારથી આ મામલો લંડનની વેસ્ટમિનિસ્ટર અદાલતમાં ચાલી રહ્યો છે.

જયેશ પટેલ બનાવટી દસ્તાવેજોના આધારે લંડનમાં પ્રવેશ્યો હતો, અને ઝડપાઈ ગયો ત્યારથી લંડનની બેલમાર્શ જેલમાં બંધ છે. જામનગરમાં 2018માં કિરીટ જોશી હત્યાકાંડમાં મુખ્ય આરોપી છે. ગત મંગળવારે લંડનની વેસ્ટમિનિસ્ટર અદાલતમાં તેને વિડીયો કોન્ફરન્સ મારફતે હાજર કરવામાં આવ્યો હતો. વીડિયોમાં અદાલતની કાર્યવાહી નિહાળી હતી અને દુભાષિયો દ્વારા જયેશ પટેલને અદાલતની કાર્યવાહી સમજાવવામાં આવી હતી.

ભારત સરકાર વતી અદાલતી કાર્યવાહી દરમ્યાન કલેઈર ડોબિન કેસી નામના ધારાશાસ્ત્રી હાજર રહ્યા હતા, જયેશ પટેલ તરફથી ધારાશાસ્ત્રી હગ સાઉથી કેસી હાજર રહ્યા હતા. તેમણે અદાલતમાં એમ કહ્યું કે, તેમનાં અસીલ જયેશ પટેલની માનસિક સ્થિતિ અપરાધભાવને કારણે ખૂબ જ ખરાબ છે, તે પોતાને ગુનેગાર માની રહ્યા હોય, તેણે પોતાની જાત પરનો કાબુ ગુમાવી દીધો છે, તે નિરાશાથી ઘેરાઈ ગયા છે, નિરાશાની આ સ્થિતિમાં કોઈ આપઘાત ન કરી બેસે તે માટે, માનવ અધિકાર માટેની યુરોપિયન સમજૂતી અંતર્ગત અદાલતે ચોક્ક્સ પ્રકારની ફરજો બજાવવી જોઈએ, તો જ કેદીનો જીવ બચાવી શકાય, તેને આપઘાત તરફ જતાં બચાવી શકાય. આ કેસની હવે પછીની સુનવણી આગામી ત્રીજી માર્ચે વેસ્ટમિનિસ્ટર અદાલતમાં થશે તેવું જાણવા મળી રહ્યું છે.