નગરમાં દબાણ હટાવ કામગીરી દરમ્યાન એસ્ટેટ શાખા અને વેપારી વચ્ચે ઉગ્ર બોલાચાલી

ત્રણબત્તી વિસ્તારમાં ફૂટપાથ પર રાખેલ સામાન કબ્જે લેતા વેપારી ટ્રેકટર નીચે સૂઈ ગયા: પોલીસ બોલાવવાની ફરજ પડી


જામનગર મોર્નિંગ - જામનગર

જામનગર શહેરમાં ટ્રાફિકનો પ્રશ્ન માથાનો દુઃખાવો છે, પ્રશ્નનો હલ કરવા તંત્ર દ્વારા કોઈ ઉકેલ લાવવા માટે નહીં પણ શહેરીજનોને દેખાડવા માટે વર્ષના વચલા દિવસે ક્યારેક ક્યારેક કામગીરી કરવા જતા હોય છે. 

ત્યારે નાના વેપારીઓનો રોડ પર સામાન કબ્જે કરી કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે મોટા ધંધાર્થીઓ સામે કોઈ કાર્યવાહી થતી નથી, એસ્ટેટ શાખામાં હજારો અરજીઓ ધૂળ ખાતી હશે જેમાં રોડ પર આચરેલા ગેરકાયદેસર બાંધકામ છે પણ તેની સામે કોઈ કાર્યવાહી થતી નથી અને નાના વેપારીઓને પરેશાની ભોગવવી પડે છે.

ત્યારે જામનગરમાં ગઈકાલે બપોર પછી એસ્ટેટ શાખા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે અનેક વેપારીઓનો રોડ પર પડેલ સામાન કબ્જે લેવામાં આવ્યો હતો ત્યારે ત્રણબત્તી વિસ્તારમાં એક દંપતીનો સામાન કબ્જે લેતા પત્ની ટ્રેકટર પર ચડી ગઈ હતી જ્યારે પતિ ટ્રેકટર નીચે સૂઈ જતા વિસ્તારમાં ટ્રાફિક જામ થઇ ગયો હતો અને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.