કાર ચાલક ફરાર: કાર સહિત રૂ. 4.1 લાખનો મુદામાલ કબ્જે: સણોસરામાંથી એક બોટલ સાથે શખ્સ ઝડપાયો: શહેરમાંથી બે બીયર સાથે બે શખ્સ ઝડપાયા 

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર જિલ્લાના જોડીયામાં મોરાણા ગામના પાટીયા પાસેથી એક કારમાં ઈંગ્લિશ દારૂનો જથ્થો નીકળવાની બાતમી મળતાં પોલીસે બે કિલોમીટર સુધી કારનો પીછો કરતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા દારૂનો જથ્થો તેમજ કાર કબ્જે કરી કાર ચાલક નાસી જતાં શોધખોળ હાથ ધરી છે, જ્યારે 

ધ્રોલ તાલુકાના સણોસરા ગામમાંથી એક બોટલ સાથે એક શખ્સ ઝડપાયો તેમજ જામનગર શહેરમાંથી બે શખ્સને બે નંગ બિયર સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. 


મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના જોડીયા રોડ પર કચ્છ તરફથી એક કાર ઈંગ્લિશ દારૂના જથ્થા સાથે આવવાની બાતમી જોડીયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.ડી. ગોહિલને બાતમી મળતા સ્ટાફ સાથે વોચમાં  હતા તે દરમ્યાન મંગળવારે મોડી રાત્રિના મોરાણા ગામના પાટીયા પાસેથી જીજે 12 ડીએ 8990 નંબરની એક કાર પસાર થતા પોલીસે તે કારને રોકવાનો પ્રયત્ન કરતા કાર ચાલકે કારને રોક્યા વગર ત્યાંથી નાસી છૂટયો હતો.

પોલીસે કારનો પીછો કરી બે કિલોમીટર સુધી ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા, દરમ્યાન પીએસઆઈ આર.ડી. ગોહિલ દ્વારા જોડીયાની ચેકપોસ્ટ પાસે ફરજ પર રહેલા અધિકારીને માર્ગ આડે બેરીકેટ મૂકી દેવાનું કહેતાં રસ્તો બ્લોક કરી દેવાતા કાર ચાલક અથડાયો હતો ત્યાં જ કાર છોડીને નાસી છૂટયો હતો અને જોડીયા પોલીસે સ્થળ પર પહોંચી જઈ કારની તલાસી લેતાં અંદરથી 396 નંગ ઈંગ્લિશ દારૂની બોટલ કિમંત રૂ. 1,98,000 મળી આવતા પોલીસે રૂ. 2,00,000ની કિંમતની કાર તથા મોબાઈલ ફોન કિમંત રૂ. 3000 કુલ મળી રૂ. 4,01,000નો મુદામાલ કબ્જે કરી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

મોબાઈલ ફોનની ડિસ્પ્લે તૂટી ગયેલી હોવાથી લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલી આપી તેમાં રહેલી કોલ ડિટેઇલ કઢાવવાની કાર્યવાહી હાથ ધરી છે તેમજ વાહન નંબરના આધારે તપાસ કરતા વાહનમાં નંબર પ્લેટ ખોટી લગાડવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું હતું. પોલીસે વાહન ચેસિસ નંબરના આધારે કાર્યવાહી હાથ ધરી નાસી જનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે.

જ્યારે ધ્રોલ તાલુકાના સણોસરા ગામના પાટીયા પાસેથી ઓમદેવસિંહ દિલુભા જાડેજા નામના શખ્સને ધ્રોલ પોલીસે એક નંગ ઈંગ્લિશ દારૂની બોટલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

તેમજ જામનગર શહેરમાં આવેલ મચ્છરનગર શેરી નંબર 2 પાસેથી રવિરાજસિંહ યોગેન્દ્રસિંહ જેઠવા અને મહેન્દ્રસિંહ નવલસિંહ સોઢા નામના શખ્સો જીજે 10 ડીએફ 8888 નંબરની ગાડીમાં બે નંગ બિયર સાથે નીકળતા પોલીસે બંને શખ્સને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.