વેલનાથ સોસાયટીમાં પતિએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી: ખીરસરા ગામમાં નશાની હાલતમાં ઈજાઓ પહોંચતા પરિણીતાનું મોત 

જામનગર મોર્નિંગ - જામનગર 


લાલપુરના ખીરસરા ગામમાં વાડી વિસ્તારમાં રહી મજુરી કરતી પરિણીતાને દારૂ પીવાની ટેવ હોય નશામાં પડી જતાં ઈજાઓ પહોંચતા મૃત્યુ નિપજ્યું હતું જ્યારે નવાગામ ઘેડમાં અઢાર વર્ષનો યુવાન પગથિયા ઉતરતી વેળાએ અકસ્માતે પડી જવાથી મૃત્યુ નિપજ્યું હતું અને વેલનાથ સોસાયટીમાં પત્ની સાથે બોલાચાલી થયા બાદ મનમાં લાગી આવતાં પતિએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા ત્રણેય બનાવ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ખીરસરા વાડી વિસ્તારમાં દેવાભાઈ મુંજાભાઈ મોઢવાડિયાની વાડીમાં મજુરી કરતા સુભાષભાઈ હરિવાવભાઈ બામણીયાની પત્ની પાર્વતીબેનને કેફી પીણું પીવાની આદત હોય અને ગઈકાલે નશાની હાલતમાં પડી જવાથી મુંઢ ઈજાઓ પહોંચતા મૃત્યુ નિપજતા લાલપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં ગાયત્રી ચોકમાં રહેતો ચિરાગ જેન્તીભાઈ પાણખારીયા (ઉ.વ. 18) નામનો યુવાન પોતાની બાજુમાં આવેલ ઘરના પગથિયા ઉતરતી વેળાએ અકસ્માતે પડી જવાથી 108 મારફતે સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા બાદ મૃત્યુ નિપજતા જેન્તીભાઈ પાણખારીયાએ સીટી બી ડીવીઝનમાં જાણ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

ઉપરાંત જામનગરના હાપામાં વેલનાથ સોસાયટીમાં રહેતો 38 વર્ષનો યુવાન વિજયભાઈ અરજણભાઈ રાઠોડને પત્ની હીનાબેન સાથે બોલાચાલી થતાં માવતરે ચાલી ગયેલ હોય જે બાબતનું મનમાં લાગી આવતાં શનિવારે વિજયે ઘરે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા માતા રમાબેને પોલીસમાં જાણ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.