ઝાખરના શખ્સે કામ નહીં આપે તો આત્મહત્યા કરી લેવાની ધમકી આપી: સોશ્યલ મીડિયામાં કંપનીને બદનામ કરતા ફરિયાદ નોંધાઈ 

જામનગર મોર્નિંગ - દ્વારકા 

દ્વારકા - જામનગર માર્ગ પર આવેલી નયારા એનર્જીમાં કંપનીના નિયમથી વિરુદ્ધ કામ મેળવવા ઈચ્છતા લાલપુર તાલુકાના ઝાખર ગામના શખ્સ દ્વારા કંપનીમાં વિવિધ રીતે અડચણ પેદા કરી, આત્મહત્યા કરી લેવાની ધાકધમકી આપતાં ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. 

મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ઝાખર ગામે રહેતા ક્રિપાલસિંહ વિક્રમસિંહ જાડેજા નામના શખ્સ દ્વારા નયારા એનર્જી કંપનીમાં કામ કરવા માટે તેની પ્રોફાઈલ આપી હતી. અને પ્રોફાઇલ મુજબનું કામ આપવા માટે કંપનીમાં કહેતા તેની મરજી મુજબનું કામ આપવાની કંપનીએ ના કરી હતી. પરંતુ કંપનીમાં પોતે બળજબરીથી પોતાની મરજી મુજબનું કામ મેળવવા માટે કંપનીના અધિકારીઓ, કર્મચારીઓને વિવિધ પ્રકારે માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.

તથા કંપનીમાં કોન્ટ્રાક્ટ મેળવવા અને તેનાથી ગેરકાયદેસર આર્થિક લાભ લેવાના ઇરાદાથી આ કંપનીમાં કામ કરતા અવધેશકુમાર શંભુદયાલ પાઠક (ઉ.વ. 33, રહે. મૂળ પાલડી, અમદાવાદ) વિગેરેને જાનથી મારી નાખવાની ધમકી આપી અને પોતાની મરજી મુજબ કંપનીમાં કામ નહીં આપવામાં આવે તો પોતે પણ નાયરા કંપનીના કોઈપણ ગેટ પર જઈ અને ફરિયાદી અવધેશકુમાર પાઠક તથા અન્ય સાહેદોના નામ લખી આત્મહત્યા કરી અને કંપની કર્મચારીઓને હેરાન કરશે તેવી ધમકી આપ્યાનું પણ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

આરોપી શખ્સને તેની મરજી મુજબ કામ નહીં આપવામાં આવતા કંપનીને બદનામ કરવાના ઇરાદાથી કંપનીની પોલ્યુશન તથા અન્ય કથિત ખોટી વિગતો સોશિયલ મીડિયામાં વાયરલ કરીને કંપનીને બદનામ કરી, કંપનીની શાખને હાની પહોંચાડવામાં આવી હોવાનું પણ વધુમાં જાહેર થયું છે.

ત્યારે ખંભાળિયા પોલીસે કંપનીના કર્મચારીની ફરિયાદ પરથી ઝાખરના શખ્સ સામે આઈપીસી કલમ 323, 389, 498, 506 (2) તથા 511 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. વી.બી. પીઠીયા ચલાવી રહ્યા છે.