જામનગર મોર્નિંગ - ભાવનગર (રિપોર્ટર ફીરોઝ સેલોત)
કલેક્ટરની કચેરી ખાતે જિલ્લા કક્ષાની ‘ડિસ્ટ્રિક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી “દિશા”ની બેઠક યોજાઇ હતી. ભાવનગરના લોકલાડીલા સંસદસભ્ય તેમજ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા ડો. ભારતિબેન શિયાળ કે જેઓ ‘દિશા’ કમિટીના અધ્યક્ષ તેમજ ભાવનગરના કલેક્ટર અને ‘દિશા’ કમિટીના સભ્ય સચિવ એવા ડી. કે. પારેખ સાહેબની ઉપસ્થિતિમાં યોજાએલ બેઠકમાં જિલ્લાના વિવિધ પ્રશ્નો અંગે લાગુ પડતાં સરકારી ખાતાઓના અધિકારીઓ સાથે સમીક્ષાઓ કરવામાં આવી હતી.
સાંજના ૬-૦૦ કલાક સુધી ચાલનારી આ બેઠકમાં વિવિધ સરકારી એજન્સીઓના લક્ષ્યાંકો બાબતે સાંસદ ભારતીબેન દ્વારા જે તે સરકારી એજન્સીના અધિકારીઓ પાસેથી માહિતી મેળવી અને જરૂર જણાય ત્યાં લક્ષ્યાંકો પૂરા કરવા ભારપૂર્વક સૂચના આપેલ. પૂરક પોષણ, દૂધસંજીવની યોજના, સાત ફેરા સમૂહ લગ્નો, કુંવારબાઈનું મામેરું જેવી લોકોને સ્પર્શતી વિવિધ યોજનાઓના લક્ષ્યાંકો બાબતે ચર્ચા કરી, તેમજ કુંઢડા, ઘાટરવાળા, ઠળિયાનો રોડ વડાપ્રધાન સડક યોજનામાં લેવાયેલ હોવા છતાં હજુ સુધી કેમ આગળ કામગીરી નથી થઈ, તેવું જણાવતા ટૂંક સમયમાં જ આ સમસ્યાનો ઉકેલ લાવવા સૂચના આપી હતી, આ ઉપરાંત ચોમાસાની ઋતુમાં ક્ષેત્રુંજી ડેમના પાણી છોડવાના કારણે ટીમાણા અને દાત્રડ ગામને જોડતો રસ્તો ડૂબમાં જતો હોયને તે રસ્તા બાબતે તાત્કાલિક નિવારણ લાવવા સૂચના આપવામાં આવેલ. આ ઉપરાંત જિલ્લા કુટીર ઉધ્યોગની મળતી લોનો સરળતાથી ઉપલબ્ધ થાય, તેમજ ખાણ-ખનીજ, સિચાઈ, આરોગ્ય, મહિલા અને બાલ વિકાસ જેવી વિવિધ સરકારી કચેરીઓના લક્ષ્યાંકો બાબતે ચર્ચા કરેલ અને બાકી રહેતા લક્ષ્યાંકો ત્વરિત પૂરા કરવા જણાવ્યુ હતું.
આ ઉપરાંત દિશા કમિટીના સભ્ય અને શહેર ભાજપના મીડિયા કન્વીનર હરેશભાઈ પરમાર દ્વારા કમિટી અધ્યક્ષા ડો. ભારતિબેનને રજૂઆત કરતાં જણાવેલ કે ‘આદિજાતિ કમિશ્નર કચેરી’ જે એસટી બસસ્ટેશન તેમજ રેલ્વે સ્ટેશનથી બહુ દૂર હોયને બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી જેવા જિલ્લાના આદિવાસી અરજદારોને ખૂબ મુશ્કેલી પડી રહી છે અને આદિવાસી અરજદારો યોજનાઓનો યોગ્ય લાભ લઈ શકતા નથી. વળી હાલ આ કચેરી રહેણાકી વિસ્તારમાં આવેલ હોય તેને શોધવામાં, તેમજ વાહન પાર્કિંગ કરવામાં પણ આદિવાસી અરજદારોને મુશ્કેલી પડતી હોય છે, તેથી ‘આદિજાતિ વિકાસ કમિશ્નર કચેરી’ને જિલ્લા સેવાસદન, બહુમાળી ભવન અથવા જિલ્લા પંચાયત ખાતે ફેરવવામાં આવે તેવી રજૂઆત કરતાં, સાંસદશ્રી અને કમિટીના અધ્યક્ષ એવા ડો. ભારતિબેને સભ્ય સચિવશ્રીને આ બાબતે યોગ્ય કરવા જણાવેલ, તેમ ભાવનગર શહેર ભાજપ મીડિયાની યાદી જણાવે છે.
0 Comments
Post a Comment