‘મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના’ હેઠળ ભાવનગર જિલ્લાની લાભાર્થી સંસ્થાઓમાં ૩૯૩૧ ગાય-ભેંસોનો નિભાવ: ઓક્ટોબરથી ડિસેમ્બર-૨૦૨૨ દરમિયાન ૩૯૩૧ ગાય-ભેંસના નિભાવ માટે જિલ્લામાં એક કરોડ આઠ લાખની સહાય ચૂકવાઇ

જામનગર મોર્નિંગ - ભાવનગર (રિપોર્ટર: ફિરોઝ સેલોત) 

ગાય-ભેંસ રસ્તા પર ન રખડે અને તેમનો યોગ્ય રીતે નિભાવ થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ‘મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના’ હેઠળ લાભાર્થી ગૌશાળા અને પાંજરાપોળને ગાય-ભેંસ વર્ગના પશુ દીઠ પ્રતિદિન રૂપિયા 30 ની સહાય આપવામાં આવી છે. ઓક્ટોબર-૨૦૨૨ થી શરુ થયેલી આ યોજના અંતર્ગત ડિસેમ્બર માસ સુધીમાં ભાવનગર જિલ્લાની ૨૦ સંસ્થાઓની કુલ ૩૯૩૧ ગાય-ભેંસોને ૯૨ દિવસના કુલ 1,08,49,560 રુપિયાની ગ્રાન્ટ ચૂકવવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગત નવરાત્રિ દરમિયાન ગુજરાતમાં પવિત્ર યાત્રાધામ અંબાજીની મુલાકાતે હતા ત્યારે આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્ય સરકારની ‘મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના’ હેઠળ ભાવનગર જિલ્લામાં ઓક્ટોબરથી ડિસેમ્બર-૨૦૨૨ દ્વારા ૨૦ ગૌશાળા અને પાંજરપોળને આવરી લેવામાં આવી છે અને હજુ પણ આ સંસ્થાઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. રાજ્ય સરકારના પશુપાલન વિભાગ દ્વારા દરેક ગાય-ભેંસ વર્ગના પશુ દીઠ પ્રતિદિન રુપિયા 30 ની સહાય સંસ્થાઓને ચૂકવવામાં આવે છે. આ રકમમાંથી સંસ્થાઓ ચારો, ખાણ-દાણ, ગાય-ભેંસની સારવાર સહિતનો ખર્ચ કરે છે.

ભાવનગર શહેરમાં આવેલી શ્રી કામધેનુ ગૌશાળાના સ્વયંસેવક શ્રી ચેતન પટેલ જણાવે છે કે તેમની સંસ્થા ‘મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના’ની લાભાર્થી છે. રાજ્ય સરકાર તરફથી મળતી સહાયમાંથી અમે ગાયોના નીરણ, ખોળ, સારવાર, દવા બીમાર પશુઓ માટેની એમ્બ્યુલન્સનો નિભાવ સહિતના ખર્ચમાં રાહત મળી છે. અહીં ગાયોને લીલું અને સુકૂં નીરણ આપવામાં આવે છે. ઉપરાંત વીયાયેલી તેમજ અશક્ત ગાયોને પોષણક્ષમ આહાર તરીકે સિંગની પાપડી, ઘઉંની ફોતરી , ટોપરા ખોળ, અડદ ચૂની અને તુવેર ચૂની આપવામાં આવે છે. સંસ્થાની ૨૫૬ ગાયોને યોજનાના લાભ હેઠળ આવરી લેવાઇ છે, જેમાં ગીર ગૌવંશનો પણ સમાવેશ થાય છે. આ નવતર પહેલ માટે અમે સરકારના આભારી છીએ.

આ યોજના અંગે વધુ માહિતી આપતા ભાવનગર જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામક ડૉ. કલ્પેશ એચ. બારૈયા કહે છે કે સંસ્થાઓમાં ગાય-ભેંસનો યોગ્ય રીતે નિભાવ થાય અને તે રસ્તા પર ન રખડે તેવાં ઉમદા હેતુથી રાજ્ય સરકાર દ્વારા આ યોજના શરુ કરવામાં આવી છે. જેમાં ગાય-ભેંસનો નિભાવ કરતા રજિસ્ટર્ડ ટ્રસ્ટ લાભાર્થી બની શકે છે. આ યોજનાને હાલ ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 

ગાય-ભેંસોને રક્ષણ મળે તેમજ યોગ્ય માળખાગત સુવિધાઓ વચ્ચે તેમનો નિભાવ થાય તે હેતુથી શરુ થયેલી આ યોજનાને ભાવનગર જિલ્લામાં સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે અને અન્ય સંસ્થાઓ પણ તેમાં લાભાર્થી થવા માટે અરજી કરી રહી છે.