જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરમાં છેલ્લા બે દિવસથી હાજા ગગડાવતી ઠંડી પડવાથી જનજીવન પર અસર પડી છે. બીજા દિવસે પણ સીંગલ આંકડામાં તાપમાન 9 ડીગ્રી નોંધાયું છે. ઠંડીના કારણે રખડતુ ભટકતુ જીવન જીવતા વૃધ્ધાનું મૃત્યુ નિપજ્યું છે.

જામનગરમાં કાળજું કંપાવતી ઠંડીથી લોકો ધ્રુજી ઉઠ્યા છે. ઠંડીના પગલે લોકો કારણ વગર ધરની બહાર જવાનું ટાળી રહ્યા છે. લોકો ઠંડીથી બચવા માટે ગરમ પીડા, ગરમ વસો, હિટર, તાપણા સહિતનો સહારો લઈ રહ્યા છે. તો પશુ-પંખીઓ પર ઠંડીની અસર જોવા મળી રહી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 1.5 ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન 9 ડીગ્રી, મહતમ તાપમાન 25 ડીગ્રી નોંધાયું છે. ભેજું પ્રમાણ 02 ટકા અને પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ 10 થી 12 ડીગ્રીની રહેવા પામી છે.

આ કડકડતી ઠંડીમાં જામનગર શહેરમાં રખડ-ભટકતુ જીવન ગુજારતી 60 વર્ષની એક અજાણી વૃધ્ધાનો ગઈકાલે સવારે મૃતદેહ રાજ રોડ, બેંક ઓફ ઇન્ડીયા પાસે ઓટા પરથી મળી આવ્યો હતો. જે અંગની સામાજીક કાર્યકર પીનેશગીરી લાલગીરી ગોસાઈએ પોલીસને જાણ કરતા પીએસઆઈ એમ.વી.સામાણી સહિતના સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળીને પીએમ માટે મોકલી દીધો હતો. વૃધ્ધા વધુ પડતી ઠંડીની અસરથી મૃત્યુ પામી હોવાનું પોલીસે જાહેર કર્યું છે.