તસ્વીર - સુમિત દત્તાણી


ભાણવડ : બોટાદ ખાતે ગત તારીખ ૧૫/૧ ના રોજ દેવીપુજક સમાજની માસુમ બાળકી ઉપર પાશવી બળાત્કાર ગુજારી કૃર હત્યા કરનાર આરોપીનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી ફાંસીની સજા આપવા સમસ્ત ભાણવડ દેવીપુજક સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપી માંગ કરેલ છે. એક તરફ દેશમાં મહિલા સશક્તિકરણ અને મહિલાઓની સલામતીના મુદ્દે સરકાર ઢંઢેરા પીટી સ્વપ્રશસ્તિની જાહેરાતો કરી રહી છે પરંતુ નરી વાસ્તવિક્તા તો એ છે કે,મહિલાઓના શોષણ અને દુષ્કર્મના કિસ્સાઓ દિવસે ને દિવસે દેશમાં વધી જ રહ્યા છે. ગત ૧૫ જાન્યુઆરીના રોજ ભારતીબેન દેવીપુજક નામની માત્ર ૯ વર્ષની માસુમ બાળકી પતંગ લુંટવા ઘરથી દૂર જતાં વાસનાભુખ્યા નરાધમ શખ્સ રાજેશ દેવસંગ ચૌહાણે એકલતાનો લાભ લઈ અવાવરુ ખંઢેર ક્વાર્ટરમાં લઈ જઈ પાશવી દુષ્કર્મ આચરી હત્યા કરી નાખતા સમગ્ર રાજ્યમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને દેવીપુજક સમાજમાં ભારે રોષ વ્યાપેલ છે.રાજ્યના તમામ શહેરોના દેવીપુજક સમાજે આ ઘટનાના આરોપીને ફાંસીની સજા આપવા રોષભેર માંગ કરેલ છે ત્યારે ભાણવડ દેવીપુજક સમાજે પણ માસુમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી કૃરતા પુર્વક હત્યા કરનાર નરાધમ આરોપીનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને ફાંસીની સજા કરવામાં આવે એવી માંગ સાથે રોષભેર રેલી કાઢી મામલતદાર મારફત કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરેલ છે.