અમદાવાદના સરખેજથી ઝડપી પાડ્યા: સીટી એ ડિવિઝન પોલીસની કાર્યવાહી 

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરના આણદાબાવા ચકલા પાસેથી સપ્તાહ પહેલા ત્રણ ઈકો મોટરમાંથી ઓરીજીનલ સાયલેન્સરો કાઢી ડુપ્લીકેટ ફીટ કરી દીધા હતા. તેની ફરિયાદના આધારે શરૂ થયેલી તપાસમાં પોલીસે અમદાવાદમાંથી આરોપી તથા રીસીવર સહિત ત્રણ શખ્સને ચોરાઉ સાયલેન્સર સાથે ઝડપી પાડ્યા છે. આ શખ્સોએ તેમાંથી વેચી નાખેલા સામાનની ઉપજેલી રકમ, ચોરીમાં વાપરેલી મોટર કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

મળતી વિગત મુજબ જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી નાયબ પોલીસ અધિક્ષક વરૂણ વસાવા અને પીઆઈ એમ.બી. ગજ્જરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.એસ. વાળા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા ત્યારે જામનગરના આણદાબાવા ચકલા વિસ્તારમાં આવેલા એક ખુલ્લા મેદાનમાંથી જુદી જુદી ત્રણ મોટરમાંથી રૂ.૮૪ હજારના ત્રણ સાયલેન્સરની ચોરી થઈ ગયાની બે દિવસ પહેલા પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. તસ્કરો ઓરીજીનલ સાયલેન્સરો કાઢી ડુપ્લીકેટ સાયલેન્સર ફીટ કરી ગયા હતા. તેથી પોલીસે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી હતી.

તે દરમિયાન આ વિસ્તારના કેટલાક સીસીટીવી તેમજ પોલીસના કમાન્ડ કંટ્રોલ સેન્ટરના સીસીટીવીના ફૂટેજ ચકાસાતા સિટી-એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફના ઋષિરાજસિંહ જાડેજા, રવિભાઈ શર્મા, યોગેન્દ્રસિંહ સોઢાને બાતમી મળી હતી કે જીજે-૧-આરપી ૧૮૩૭ નંબરની મોટર ઉપયોગમાં લીધી હોવાનું પણ જણાઈ આવ્યું હતું તેથી તે મોટરને શોધવાનું શરૂ કરાતા અમદાવાદના સરખેજમાં હોવાનું જાણવા મળતા અમદાવાદ દોડી ગયેલી ટૂકડીએ સરખેજમાંથી ઈમરાન મજીત દરજાદા ઉર્ફે ભા (રહે. સિપાઈવાસ, સરખેજ), સતાર હુસેન વોરા (રહે. જાગૃતિ સ્કૂલ પાછળ, સરખેજ) અને આસિફ ઉર્ફે કોમલ અસલમ શેખ (રહે. ફતેવાડી, સરખેજ) નામના ત્રણ શખ્સની અટકાયત કરી પૂછપરછ કરતા આ શખ્સોએ જામનગરમાંથી જુદા જુદા વાહનમાંથી કાઢેલા ત્રણ સાયલેન્સર કાઢી આપ્યા છે. તેમાંથી આ શખ્સોએ કન્વેટર કાઢી લીધા હતા અને તેને વેચીને રૂ.૩૦ હજાર રોકડા કરી લીધા હતા. તે રકમ, રૂ.૯ હજારના ત્રણ સાયલેન્સર, ચોરીમાં વાપરેલી રૂ.૩ લાખની મોટર મળી કુલ રૂ. ૩,૩૯,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે.

આ કાર્યવાહી પીઆઈ એમ.બી. ગજ્જર, પીએસઆઈ બી.એસ. વાળા તથા સ્ટાફના દેવાયતભાઈ કાંબરીયા, મહીપાલસિંહ જાડેજા, સુનીલભાઈ ડેર, રવીન્દ્રસિંહ પરમાર, રૂષીરાજસિંહ જાડેજા, રવિભાઈ શર્મા, યોગેન્દ્રસિંહ સોઢા, શૈલેષભાઈ ગઢવી, શિવરાજસિંહ રાઠોડ, રવિરાજસિંહ જાડેજા, મહેન્દ્રભાઈ પરમાર, રવિરાજસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા, ખોડુભા જાડેજા અને રાજેન્દ્રસિંહ ડોડીયાએ કરી હતી.