જામનગર મોર્નિંગ - જામનગર

જામનગર જિલ્લાના પીપળી ગામે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગ રૂપે નવનિર્મિત ગૌશાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ ગૌશાળાનું નિર્માણ સને 1997માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર (કોર્પોરેટ અફેર્સ) પરિમલભાઈ નથવાણીના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું. ઉપલબ્ધ સુવિધાની વર્તમાન જરૂરિયાતોનો અભ્યાસ કરીને રિલાયન્સ દ્વારા ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ પીપળી ગૌશાળાના પુનઃનિર્માણનું કામ હાથ ધરાયું હતું. 18200 ચો.ફૂટનો પ્લોટ ધરાવતી આ ગૌશાળામાં 7465 ચોરસ ફૂટનો બિલ્ટ-અપ સમાવિષ્ટ છે. રિલાયન્સ કંપની દ્વારા નવનિર્માણ પામેલી આ 15મી ગૌશાળામાં  નવું  ગૌચારા ગોડાઉન, પાણીના હવેડા , ભવ્ય પ્રવેશ દ્વાર, રખેવાળ માટેની વ્યવસ્થા અને  જુના રખેવાળ (ગોવાળ)ની સમાધિ વગેરેનું  નવીનીકરણ અને નિર્માણ કરાયું છે. કંપની દ્વારા કુલ 19 ગૌશાળા ટ્રસ્ટને માસિક નિભાવ અનુદાન છેલ્લા 20 વર્ષથી અપાય છે.

જામનગરના લોકસભા સાંસદ પૂનમબેન માડમના હસ્તે આ ગૌશાળાનું લોકાર્પણ  ભારતીય જનતા પાર્ટીના જીલ્લા પ્રમુખ રમેશભાઈ મુંગરા, જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચણિયારા,  સ્થાનિક તથા જિલ્લાના વરિષ્ઠ અગ્રણીઓની ઉપસ્થિતિમાં તાજેતરમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બોલતાં સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, “ગૌશાળાઓ સૌરાષ્ટ્રના સમૃદ્ધ ગ્રામીણ વારસાનું  અભિન્ન અંગ છે, જે ગામડાના પશુઓને સુરક્ષિત આશ્રય આપે છે.”

રિલાયન્સ ઈંડસ્ટ્રીઝ દ્વારા ઉપલબ્ધ કરાયેલી આ સુવિધા બદલ સ્થાનિક ગ્રામજનોએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.