તસ્વીર - સુમિત દત્તાણી ,ભાણવડ



  • ભલભલા અભિનય કલાકારોને પાછા પાડી નાખે એવા અભિનય સાથે બાળકોએ નાટક રજુ કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા


જામનગર મોર્નિંગ – ભાણવડ તા.૦૮ : પુરુષાર્થ વિદ્યાલય – ભાણવડ ૨૦ વર્ષ પૂર્ણ કરીને ૨૧માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે ત્યારે પુરુષાર્થ વિદ્યાલય અને તપોવન વિશ્વ વિદ્યાલય ભાણવડના સંયુક્ત ઉપક્રમે વાર્ષિક ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પુરુષાર્થ શાળાના બાળકો દ્વારા “ વીર માંગડા વાળો અને સતી પદ્માવતી” નું ભવ્ય અને મેગા નાટક ભજવવામાં આવ્યું હતું. તેમજ શાળાના બાળકો માટે બસનું લોકાર્પણ અને પુસ્તક મેળાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આશરે ૮ થી ૧૦ હજાર જેટલી માનવ મેદની ઉમટી પડી હતી.


કાર્યક્રમની શરૂઆત મહેમાનોના સન્માન અને યોગાથી કરવામાં આવી હતી વિદ્યાર્થી બાળકો દ્વારા સ્ટેજ પર અલગ-અલગ મુદ્રામાં યોગા કરવામાં આવ્યા હતા જેમાં ૧૦-૧૫ ફૂટ ઉચાઇ પરના દોરડામાં વીંટાઈને કરવામાં આવેલ યોગાના આશન સૌ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું.

ભાણવડની ભૂમિમાં બનેલ સત્ય ઘટના અમર ઈતિહાસ “ વીર માંગડાવાળો અને સતી પદ્માવતી” નું નાટક શાળાના જ ૪૬ જેટલા બાળકો દ્વારા અદ્ભુત અભિનય સાથે રજુ કરવામાં આવ્યું હતું ભલભલા અભિનય કલાકારોને પાછા પાડી નાખે એવા અભિનય સાથે બાળકોએ નાટક રજુ કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ નાટકના પ્રણેતા લોક ગાયક માલદેભાઈ આહીરએ જણાવ્યું હતું કે આ નાટક તૈયાર કરવામાં અમે બાળકોએ અને ભીમશીભાઈ એ જીવ રેડી દીધો હતો. પહેરવેશ,વેશભૂષા ,અવાજ અને અભિનય એકબીજાથી ચડિયાતા હતા નાની-સુની ફિલ્મ પણ આ નાટક પાસે ટુકી પડે તેવી રીતે નાટક રજુ કરીને હાજર સૌ દર્શકોને મંત્રમુગ્ધ કરી મુક્યા હતા.

કાર્યક્રમમાં પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરા વતિ તેમના પુત્ર હર્ષદ બેરા, પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશનના સમણ શ્રુતપજ્ઞજી, ઈતિહાસવિદ નરોતમ પલાણદાદા, ઓક્ષફોર્ડ યુનિવર્સીટી ઇંગ્લેન્ડના પ્રોફેસર ડૉ.ગ્રેહામ ડવાયર, જળ ક્રાંતિ ટ્રસ્ટના મનસુખભાઈ સુહાગીયા, તબીબી નિષ્ણાત ડૉ. ટી.બી.કનેરિયા, જીલ્લા પંચાયત પ્રમુખ રાજીબેન અને વી.ડી.મોરી, પૂર્વ પ્રમુખ પાલભાઈ કરમુર સહીત અનેક આગેવાનો પદાધિકારીઓ,અધિકારીઓ અને માનવમેદીની એ ઉપસ્થિત રહીને કાર્યક્રમને દીપાવ્યો હતો.

પુરુષાર્થ શાળાના પ્રમુખ અને સંચાલક ભીમશીભાઈ કરમુર, ડૉ.ખુશાલ શીલુ, માલદેભાઈ આહીર શાળા પરિવાર અને સહાયકોની જહેમતથી આ કાર્યક્રમને જલહળતી સફળતા મળી હતી.