જામનગર મોર્નિંગ - જામનગર

જામનગરમાં કોર્પોરેશ દ્વારા અચાનક જ ગેરકાયદે ધમધમતી નોનવેજની દુકાનો પર તવાઈ બોલાવવામાં આવી હતી. નોંધણી વગરની અને ગેરકાયદે રીતે ચાલતી 17 જેટલી મીટ અને ચીકનની દુકાનોને કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા સીલ મારવામાં આવ્યું હતું.

મળતી વિગત મુજબ જામનગર શહેર કોર્પોરેશન દ્વારા હાઇકોર્ટની સૂચના મુજબ ગેરકાયદેસર રીતે ચાલતી 17 મીટ અને ચીકન શોપને સીલ કરવામાં આવી છે. જામનગર કોર્પોરેશન દ્વારા અગાઉ નોંધણી વગરના મીટ અને ચીકન શોપ પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને સ્થળ પર રોજકામની કાર્યવાહી કરવામાં આવી હતી. જે બાદ નિયમ મુજબ ન હોય તેવા કે રજીસ્ટ્રેશન વગરના દુકાનદારો સામે એડીશનલ કલેકટર સમક્ષ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ સાથે જ તેમની માંસાહારની દુકાનોને સીલ મારવામાં આવ્યું હતું. 

આ સાથે જ કોર્પોરેશનના અધિકારીઓએ લાયસન્સ વગર અને બિન આરોગ્યપ્રદ હોય તેવી દુકાન પર જઈ કાયદાનો ભંગ કરતા હોય તેવી મીટ, ચિકનશોપ અને સ્લોટર હાઉસનું પણ નિરીક્ષણ કર્યું હતું અને કસુરવારો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી હતી. કોર્પોરેશન દ્વારા અચાનક જ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતા માંસાહારનું વેચાણ કરતા દુકાનધારકોમાં ફફડાટ મચી ગયો હતો.