જામનગર મોર્નિંગ - દ્વારકા 


દ્વારકા જિલ્લાના ભાણવડમાં બસ સ્ટેન્ડ રોડ પરથી બે શખ્સોને ભાણવડ પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરા અને તુક્કલનું વેંચાણ કરતા ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. 

ઉતરાયણનો તહેવાર નજીક હોવાથી દ્વારકા શહેર-જિલ્લાના અનેક વિસ્તારોમાં દોરી પતંગનું વેચાણ શરૂ થઇ ગયું છે. જેને લઇને દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા પ્રતિબંધિત ચાઈના દોરી વહેંચતા વેપારીઓ પર વોચ રાખવામાં આવી રહી છે. તંત્ર દ્વારા ચાઇનીઝ દોરીના વેચાણ તથા ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જોકે, આમ છતાં પણ બજારમાં ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે, ત્યારે પોલીસ ચાઇનીઝ દોરી પકડવાની ઝુંબેશ હાથ ધરી વિવિધ વિસ્તારોનું ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું છે. 

જેના અનુસંધાને દ્વારકા જિલ્લા પોલીસવડા નીતેશ પાંડેયની સૂચનાથી નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ભાણવડ પીએસઆઈ પી. ડી. વાંદા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન વેજાણંદભાઈ બેરા અને વીપુલભાઈ મોરીને બાતમી મળી હતી કે બસ સ્ટેન્ડ રોડ પર સમ્રાટ પાનની દુકાન બાજુમાં હિમાંશુ ઉર્ફે લાલો રમેશ સુચક નામનો શખ્સ પોતાની દુકાને પ્રતિબંધિત ચાઈનીઝ દોરાની ફિરકીનુ વેંચાણ કરતો હોય તેને નવ નંગ ફિરકી સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે તે જ વિસ્તારમાં બોમ્બે બિરયાની નામની દુકાનની બાજુમાં પરાગ જયસુખ પીઠીયા નામનો શખ્સ પ્રતિબંધિત ચાઈનીઝ દોરા તથા તુક્કલનું વેંચાણ કરતો હોય તેને 19 નંગ ફિરકી અને 30 નંગ તુક્કલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

આ કાર્યવાહી પીએસઆઈ પી.ડી. વાંદા તથા સ્ટાફના ગીરીશભાઈ ગોજીયા, કિશોરસિંહ જાડેજા, વીપુલભાઈ હેરભા, શક્તિસિંહ ઝાલા, મનહરસિંહ જાડેજા, વેજાણંદભાઈ બેરા, વિપુલભાઈ મોરી અને અજયભાઈ ભારવાડિયાએ કરી હતી.