ત્રણેય સભ્યોને સમયસર બહાર કાઢી લેવામાં આવ્યા: સારવારમાં ખસેડાયા: સ્થાનિક કોર્પોરેટર, પોલીસ તથા એસ્ટેટની ટીમ દોડી ગઈ
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર શહેરના નવાગામ ઘેડમાં પંચાયત બિલ્ડીંગ પાસે આવેલા એક જર્જરીત મકાન ધરાશાયી થતા પરિવારના પતિ, પત્ની અને ભાભી કાટમાળમાં દબાઈ ગયા હતા, લત્તાવાસીઓ ઘટના સ્થળે પહોંચી ત્રણેયને બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા તેમજ સ્થાનિક કોર્પોરેટરને જાણ થતા તે પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.
મળતી વિગત મુજબ જામનગરમાં નવાગામ ઘેડમાં પંચાયત બિલ્ડીંગ પાસે રહેતા રાજુભાઈ ગગજીભાઈ મકવાણાનું જર્જરીત મકાન ગઈકાલે સાંજે આઠેક વાગ્યા આસપાસ એકાએક ધરાશાયી થતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. લત્તાવાસીઓને જાણ થતા તેઓ ઘટના સ્થળે દોડી જઈ કાટમાળમાં ફસાયેલા રાજુભાઈ મકવાણા પત્ની જશુબેન મકવાણા અને ભાભી વિનુબેન મકવાણાને બહાર કાઢવામાં આવ્યા હતા. આ બનાવની જાણ સ્થાનિક કોર્પોરેટરને થતા રચનાબેન નંદાણીયા પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. મકાનના કાટમાળમાં ફસાયેલા ત્રણેય વ્યક્તિને ઈજાઓ પહોંચવાથી તાત્કાલિક જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ અને મનપાનું તંત્ર પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને કાટમાળમાં ફસાયેલા ત્રણેય વ્યક્તિને સમયસર બહાર કાઢી લેતા મોટી દુર્ઘટના થતા અટકી હતી. આ ઘટનાથી થોડીવાર માટે ભારે અફરાતફરી મચી ગઈ હતી, બાદમાં એસ્ટેટ શાખાની ટીમ દ્વારા બાકી રહેલ મકાનને ધરાશાયી કરી કાટમાળ હટાવવામાં આવ્યો હતો.
આ અંગે વાતચીત કરતા સ્થાનિક મહિલા કોર્પોરેટ રચનાબેન નંદાણીયાએ જણાવ્યું હતું કે વિસ્તારમાં આવા કોઈપણ જર્જરીત હાલતમાં મકાન હોય તેની જાણ પહેલેથી તંત્રને કરો જેથી કરીને સમયસર કામગીરી હાથ ધરવામાં આવે અને નાની કે મોટી દુર્ઘટના થતી અટકાવી શકીએ.
0 Comments
Post a Comment