વ્યાજ વસૂલ્યા પછી પણ રૂપિયા 2.40 કરોડની માંગણી કર્યાની ફરિયાદ

જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા) 
કલ્યાણપુર તાલુકાના ટંકારીયા ગામે રહેતા એક આધેડ દ્વારા કાઠી દેવળીયાના એક આસામી પાસેથી ટુકડે ટુકડે રૂપિયા 30 લાખ વ્યાજે લીધા પછી કુલ રૂપિયા 98.50 લાખ ચૂકવ્યા પછી પણ વધુ રૂપિયા 2.40 કરોડની માંગણી કરી, મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવાઈ છે.
     કલ્યાણપુર તાલુકાના ટંકારીયા ગામે રહેતા ભાયાભાઈ માંડણભાઈ ગોજીયા (ઉ.વ. 62) દ્વારા ખંભાળિયા તાલુકાના કાઠી દેવળીયા ગામના મૂળ રહેવાસી ભીખુભા હરિસિંહ વાઢેર તથા તેમના પુત્ર ધવલસિંહ અને કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામે રહેતા સવાભાઈ વીરાભાઈ આંબલીયા સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
    આ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ ફરિયાદી ભાયાભાઈ ગોજીયાએ વર્ષ 2010 થી 2012 સુધીના સમયગાળા દરમિયાન ભીખુભા હરિસિંહ વાઢેર પાસેથી ટુકડે-ટુકડે કુલ રૂપિયા 30 લાખ વ્યાજે લીધા હતા. જેનું ત્રણ ટકા વ્યાજ નક્કી કરવામાં આવ્યું હતું. ફરિયાદમાં જણાવ્યા મુજબ મુદ્દલ તથા વ્યાજનું વ્યાજ મળી, કુલ રૂ. 98,50,000 તેમણે ચૂકવી દીધા પછી પણ ભીખુભા, તેમના પુત્ર ધવલસિંહ તથા સવાભાઈ દ્વારા વધુ રૂપિયા 2.40 કરોડની રકમ ચડાવી દઈ, તેમની પાસેથી ચેકો પાડવી લઈ અને ફરિયાદી તથા તેમના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપવાનું વધુમાં જાહેર થયું છે.
      આ અંગે પોલીસે આઈપીસી કલમ 386, 506 (2), 120 (બી) વિગેરે મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.