ચોરીમાં વાપરવામાં આવેલ વાહનો, હથિયારો, મોબાઈલ તથા રોકડ સહિતનો મુદામાલ કબ્જે: મિલમાં આચરેલ ચોરીઓનો ભેદ ઉકેલાયો  

જામનગર મોર્નિંગ - કાલાવડ (ભરત રાઠોડ)

જામનગર જિલ્લાના કાલાવડમાં ચડી, શર્ટ પહેરી ચોરીઓને અંજામ આપતી પરપ્રાંતીય ગેંગના નવ સભ્યોને કાલાવડ પોલીસે ઝડપી લઈ, મોટરસાયકલ, મોબાઈલ અને રોકડ સહિત ચોરીઓમાં વાપરવામાં આવેલ હથિયાર સહિતનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.  

મળતી વિગત મુજબ જામનગર જિલ્લામાં છેલ્લા ઘણાં સમયથી મોટરસાયકલ ચોરી, ઘરફોડ ચોરી, મોબાઈલ ચોરીના ગુનામાં વધારો જોવા મળ્યો હતો જેના અનુસંધાને જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ ચોરીના બનાવો અટકાવવા તેમજ ચોરીમાં ગયેલ મુદામાલ સાથે આરોપીઓને શોધી કાઢવા સૂચના આપેલ હોય જેના અનુસંધાને ગ્રામ્ય ડીવાયએસપી ડી.પી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ કાલાવડ પોલીસ ચોકીના પીઆઈ બી.એમ. કાતરીયા અને પીએસઆઈ એચ.બી. વડાવીયાની સૂચનાથી અલગ-અલગ ટીમો બનાવી ચોરીના બનાવો અટકાવવા નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને આજુબાજુના ગામોમાં ગ્રામજનોને મળી શંકાસ્પદ ઈસમો દેખાય તો જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો તેથી ગ્રામજનો દ્વારા પણ રાત્રીના ફરવાનું ચાલુ કરવામાં આવ્યું હતું અને પરપ્રાંતીય શખ્સોની હીલચાલ પર વધુ ધ્યાન આપવામાં આવ્યું હતું. 

જશાપર ગ્રામજનોને વાડી વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલ કરતા શખ્સો દેખાતા ગામના સરપંચ વિનુભાઈને જાણ કરતા સરપંચ દ્વારા પીએસઆઈ એચ.બી. વડાવીયાને જાણ કરવામાં આવતા અલગ અલગ ટીમો બનાવી જશાપર ગામની સુરસાંગડા સીમ વિસ્તારમાં આવેલ બાલાજી ફાર્મની પાછળની નવ શખ્સો મોટરસાયકલમાં ત્રિપલ સવારીમાં મળી આવતા તેમની પુછપરછ કરતા ખેતી વાડીમાં મજૂરી કામ કરતા હોવાનું જણાવ્યું હતું, બાદમાં તેમાંથી મુનીલ ઉર્ફે મોહન ઉર્ફે મુનો સુભાષ બામણીયા (રહે. હાલ જશાપર, મુળ- એમપીના બડવાણી જિલ્લામાં આવેલ હલ્દી ગામ) નામના શખ્સની હિસ્ટ્રી આઇસીજેએસ એપ્લિકેશનમાં સર્ચ કરતા 2018ની સાલમાં લોધીકા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં ઝડપાયો હોવાનું સામે આવતા વધુ પુછપરછ હાથ ધરવામાં આવી હતી, બાદમાં ઓઇલ મીલમાં ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. 

મુનીલ સાથે રહેલા અનીલ સુભાષ બામણીયા (હાલ રહે. જશાપર, મુળ- એમપીના બડવાણી જિલ્લામાં આવેલ હલ્દી ગામ), ધર્મેશ ઉર્ફે ધમો ગમરીયા (હાલ રહે. લક્ષ્મીનગર, મોરબી, મુળ. એમપીના અલીરાજપુર જિલ્લાના ભેસાવડા ગામ), રેમલા ઉર્ફે રામલાલ સાવલીયા અલાવા (હાલ રહે. રાજકોટ જિલ્લાના કોઠા પીપળીયા, મુળ. એમપીના બડવાણી જિલ્લાના પલવડ ગામમાં), પપ્પુ વેસ્તા મોહનીયા (હાલ રહે. લક્ષ્મીનગર, મોરબી, મુળ. એમપીના અલીરાજપુર જિલ્લાના ભેસાવડા ગામ), અમરસિંહ ઉર્ફે નાનકો ગમરીયા વાસ્કેલા (હાલ રહે. લક્ષ્મીનગર, મોરબી, મુળ. એમપીના અલીરાજપુર જિલ્લાના ભેસાવડા ગામ), મંગેશ ઉર્ફે રમેશ ગમરીયા વાસ્કેલા (હાલ રહે. લક્ષ્મીનગર, મોરબી, મુળ. એમપીના અલીરાજપુર જિલ્લાના ભેસાવડા ગામ), વેલસિંહ ઉર્ફે રાજુ ગમરીયા વાસ્કેલા (હાલ રહે. ઘાટીલા, મોરબી, મુળ. એમપીના અલીરાજપુર જિલ્લાના ભેસાવડા ગામ) અને ભુરા મંગલસિંહ અલાવા (હાલ રહે. લક્ષ્મીનગર, મોરબી, મુળ. એમપીના ધાર જિલ્લાના પીપરાણી ગામ) નામના નવ શખ્સને ઝડપી લઈ કોર્ટમાં રજુ કરી રીમાન્ડ મેળવી વધુ પુછપરછ હાથ ધરવામાં આવી હતી.         

બાદમાં કાલાવડમાં રણુજા રોડ પર આવેલ કૈલાશ કોટન ઇન્ડસ્ટ્રીઝ, પુજા કોટન ઇન્ડસ્ટ્રીઝ અને શીતલ યુનિવર્સલ લીમીટેડમાં ચોરી આચરી હોવાની કબુલાત આપી હતી તેમજ ઉપરોક્ત શખ્સો રાત્રીના સમયે ભેગા મળી પોતાની મોટરસાયકલો છુપાવી પેન્ટ કાઢી ચડી અને શર્ટ પહેરી અંધારાનો લાભ લઈ ચોરીઓ આચરતા હોવાનો ખુલાસો થયો હતો. આ તમામ શખ્સ પાસેથી રોકડ રૂ. 60,000, ત્રણ નંગ મોટરસાયકલ કિમંત રૂ. 65,000, અલગ-અલગ કંપનીના 11 ફોન કિમંત રૂ. 41,500, બે તેલના ડબ્બા, રૂ. 200ની કિમંતના બે ચાંદીના સિક્કા, ચોરીમાં ઉપયોગ કરેલ હથિયારો તમામ મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

આ કાર્યવાહી પીઆઈ બી.એમ. કાતરીયા, પીએસઆઈ એચ.બી. વડાવીયા તથા સ્ટાફના સંદીપસિંહ જાડેજા, જીતેનભાઈ પાગડાર, વનરાજભાઈ ઝાપડીયા, પ્રતિપાલસિંહ સોઢા, ગૌતમભાઈ અકબરી, જયપાલસિંહ જાડેજા, સંજયભાઈ બલીયા, વાસુદેવસિંહ જાડેજા, સુરપાલસિંહ જાડેજા, વિપુલભાઈ રાકુચા, અનિરુધ્ધસિંહ જાડેજા, હાર્દિકભાઈ ગોસાઈ, રવિરાજસિંહ જાડેજા, વિજયભાઈ ઝુંઝા, સાજીદભાઈ બેલીમ, ભારતીબેન વાડોલીયા, શીતલબેન ઝાપડા અને સ્નેહાબેન સાવલીયા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.