રસ્તાઓ પર હજુ પણ ઢોરનો કબ્જો: જાહેર રસ્તાઓ પર પેચવર્ક ક્યારે? તળાવમાં પડેલ ગંદકીની સફાઈ ક્યારે?  

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરમાં સ્માર્ટ સિટીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે પણ જવાબદાર અધિકારીઓ ક્યારેક બજારમાં ચક્કર મારે તો ખબર પડે કે કેટલું સ્માર્ટ સિટી છે? સ્માર્ટ અને સ્વચ્છ સિટી તમને ખાલી ચોપડા પર અને જામનગર મહાનગરપાલિકાના એકાઉન્ટ પર જ જોવા મળશે. જામનગરમાં આવેલ મેઈન બજાર વિસ્તારમાં રોડ પર ખાડાઓ પડતા વાહન ચાલકો અને રાહદારીઓ ભારે પરેશાની ભોગવી રહ્યા છે. તેમજ એકબાજુ તળાવમાં પક્ષીઓનું સુંદર નઝારો જોવા મળે છે તો એક તરફ બાજુમાં જ તળાવના ખાલી ભાગમાં કચરાના ઢગલા જોવા મળે છે, વાત કરીએ તો ઢોરની તો પકડવાની કામગીરી ખાલી ફોટો પડાવવા માટે જ કરવામાં આવે છે જો ખરેખર તંત્ર આટલા ઢોર પકડે છે તો રસ્તાઓ પર તો ક્યારેય ઢોરનો ત્રાસ ઓછો થતો નથી. 

જામનગરની મેઈન બજારમાં તમે નીકળો તો રસ્તાઓ વચ્ચે જ ખાડાઓ જોવા મળશે, જે તંત્ર દ્વારા કામગીરી ટાઈમે ખોદી નાખવામાં આવે છે પછી તેને મરામત કરવાનું તો તંત્ર જાણે ભુલી જ જાય છે જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ અકસ્માતનો ભોગ બને છે અને મરામત કરવામાં આવે છે તો પણ કેવી કોઈ વજનદાર વાહન નીકળે તો પાછો મણ એકનો ખાડો પડી જાય છે. ખબર નહિ જ્યાં જ્યાં ખાડાઓ પડેલા છે ત્યાં ત્યાં ક્યારે પેચ વર્ક કરવમાં આવશે, અત્યરેતો ચિત્ર એવું દેખાઈ છે કે આ ખાડાઓ તો દિવસે ને દિવસે પ્રસરવાના છે અને અકસ્માતો થતાં રહેશે. કેમ કે તંત્ર પાસે તો માણસની જિંદગીની કિંમત શૂન્ય હોય તેવું જણાઈ રહ્યું છે. તાજી જ વાત કરીએ તો 58 દિગ્વિજય પ્લોટમાં ગેસ લાઈન દરમ્યાન ખાડા ખોદવામાં આવ્યા હતા જે ખાડાના પેચવર્કમાં કોણ જાણે કેવું કામ કર્યું હશે કે ત્યાંથી ટ્રેકટર પસાર થયું અને ખાડામાં અંદર ફસાઈ ગયું. કામ ઓછું અને ભ્રષ્ટાચાર વધારે હોય તેવું લાગી રહ્યું છે. 

રખડતા ઢોર મામલે હાઇકોર્ટે કડક વલણ દાખવ્યું છે જોકે તંત્ર હજુ ઢીલાશ અજમાવી રહી હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે હાઇકોર્ટના વલણ બાદ પણ જામનગર શહેરમાં ઢોરને લઈને ફરિયાદો ઉઠતી જ રહે છે, તંત્રની કામગીરી પણ ખાલી દેખાવ પુરતી હોય તેવું લાગી રહી છે જયારે હજુ ગણતરીના દિવસો પહેલા જ પોલીસની હાજરીમાં ઢોર માલિકો ઢોર છોડાવી લઈ ગયા હતા. તમને જે ઉપર તસ્વીર દેખાઈ રહી છે કે જાહેર રોડ પર ઢોરનો કબ્જો જોવા મળશે તે તા. 5 રવિવારે સવારે ખેંચેલી તસ્વીર છે જો તંત્ર જેટલા આંકડા ઢોર પકડવાના દેખાડે છે તો રોડ પર તો ઢોર ઓછા થતા જ નથી. જેને લઈને પ્રશ્ન થાય છે કે તંત્ર કડક કામગીરી ક્યારે કરશે કે પછી હજુ રખડતા ઢોરના કારણે અકસ્માતો સર્જાય અને જીવ ગુમાવવાનો વારો આવે તેની રાહ જુએ છે. 

ઢોરના ત્રાસના કારણે જામનગરમાં લીમડા લાઈન વિસ્તારમાં એક યુવાનને હડફેટે લેતા યુવાન ઘવાયો હતો સદનસીબે જાનહાની ટળી અને યુવાનને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. 

સ્વસ્થ, સ્વચ્છ નહીં પણ જામનગરનું તળાવ ગંદકીધામ જેવું લાગી રહ્યું છે એક તરફ જામનગરની આન, બાન અને શાન લાખોટા તળાવ પર વિદેશી પક્ષીઓ મહેમાન ગતિ માણવા આવે છે જેના લીધે દૂરથી જોઈએ તો આ ચિત્ર સ્વર્ગ જેવું લાગે પણ જો તળાવ પાસે ઊભીને જોઈએ તો કચરના ઢગલાઓ દેખાઈ અને આ સ્વર્ગ જેવા સ્થળને નરક બનાવીને રાખે છે. સાથે સાથે તંત્ર જો આ સ્વચ્છતા બાજુ પણ ધ્યાન આપે તો પ્રજાને ખરેખર સ્માર્ટ સિટી જેવું દેખાશે. 

સ્માર્ટ, સ્વચ્છ અને તંદુરસ્ત સિટીની પબ્લિસિટી કરવામાં જેટલો ખર્ચ કરો છે તેનાથી સારું આ ખર્ચ ખરેખર સિટી માટે ઉપયોગ કરો જામનગરવાસીઓ પોતે જાતે સ્વચ્છ શહેરની પબ્લિસિટી કરશે. ખેર જોવું રહ્યું તંત્ર ક્યારે જાગે અને આ રોજીંદા ત્રાસદાયક પ્રશ્નોમાંથી મુક્તિ અપાવે છે.

જામનગરની પ્રજાને ધારાસભ્ય રિવાબાથી અપેક્ષા 

જામનગરની પ્રજાને નવનિયુક્ત ચુંટાયેલા ધારાસભ્ય રિવાબા પાસેથી ખુબ જ અપેક્ષા છે, જેવી રીતે ગોકુલનગરમાં રોડના કામમાં ફરિયાદ ઉઠી અને તાત્કાલિક દોડી જઈ જવાબદાર લોકોને ખખડાવી નાખ્યા હતા ત્યારબાદ લોકોની રિવાબા પાસેથી અપેક્ષાઓ વધી ગઈ છે અને જનતા ઈચ્છે છે કે આ તમામ રોજિંદા ત્રાસદાયક પ્રશ્નો છે તે રિવાબા પોતે હાથમાં લ્યે અને તેના વિષે જરૂરી સૂચનો મેળવી, માહિતી એકત્રિત કરી આ પ્રશ્નોનો પણ ઉકેલ લાવે જેથી જામનગરની જનતાને આ બધા પ્રશ્નોથી મુક્તી મળી જાય.