‘ક્વોલિટી કેર ફોર એવરી ચાઈલ્ડ-એવરીવેર’ની આ કોન્ફરન્સની વિષયવસ્તુને ગુજરાતે બાળકોના હોલિસ્ટિક હેલ્થકેર એપ્રોચથી સાકાર કરી છેઃ મુખ્યમંત્રી

શ્રી ભૂપેન્દ્ર પટેલ

* શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળસ્વાસ્થ્ય કાર્યક્રમમાં દર વર્ષે અંદાજે દોઢ કરોડથી વધુ બાળકોની આરોગ્ય તપાસ રાજ્ય સરકાર વિનામૂલ્યે કરે છે.

* વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં દેશની પ્રથમ અદ્યતન બાળ હૃદયરોગ હોસ્પિટલ અમદાવાદના યુ.એન. મહેતા સંકુલમાં રાજ્ય સરકારે કાર્યરત કરી છે.

* ભૂલકાંઓને ન્યુમોનિયાથી રક્ષણ આપતી પી.સી.વી વેક્સિનના 36 લાખથી વધુ ડોઝ સરકારે 13 લાખ બાળકોને નિઃશુલ્ક આપ્યા છે.

* ઉજ્જવળ આવતીકાલ સમાન બાળકોને સ્વસ્થ-તંદુરસ્ત રાખીને સર્વેસન્તુ નિરામયાં સાકાર કરતા પિડિયાટ્રિશિયન્સ દેવદૂતરૂપ છે.

***

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ઈન્ટરનેશનલ પિડિયાટ્રિક્સ એસોસિયેશનની 30મી કોંગ્રેસ અને ઈન્ડિયન એકેડમી ઓફ પિડિયાટ્રિક્સની ૬૦મી વાર્ષિક સભાનો શુભારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ ‘ક્વોલિટી કેર ફોર એવરી ચાઈલ્ડ, એવરીવેર’ના વિષયવસ્તુ સાથે યોજાઈ રહેલી આ કોન્ફરન્સની થીમ ગુજરાતે બાળકોની હોલિસ્ટિક હેલ્થકેર એપ્રોચથી સાકાર કરી છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આપણી ભાવિ પેઢી, ઉજ્જવળ આવતીકાલ સમાન બાળકોને સ્વસ્થ-તંદુરસ્ત રાખીને સર્વેસન્તુ નિરામયાનો મંત્ર ચરિતાર્થ કરનારા પિડિયાટ્રિશિયન્સ દેવદૂતરૂપ છે.

તેમણે ઉમેર્યું કે, ગુજરાત સરકાર શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનો સઘન અમલ કરીને દર વર્ષે અંદાજે દોઢ કરોડથી વધુ બાળકોની વિનામૂલ્યે આરોગ્ય તપાસ કરે છે.

એટલું જ નહીં, નાનાં બાળકોને ન્યુમોનિયાથી રક્ષણ આપતી પી.સી.વી. વેક્સિનના 36 લાખ ડોઝ રાજ્યના ૧૩ લાખ ભૂલકાઓને નિઃશુલ્ક આપવામાં આવ્યા છે.

શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં બાળ મૃત્યુદર પ્રતિ હજારે ૬૦થી ઘટીને ૨૫ થયો છે તેની ભૂમિકા આપતાં જણાવ્યું કે, સરકારી દવાખાનામાં પ્રસુતિ થયેલ નવજાત શિશુ અને ધાત્રી માતાને સલામત ઘરે પહોંચાડવા માટે ખિલખિલાટ વાનની સંખ્યા પણ ૧૭૪થી વધારીને ૪૬૬ કરી છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં દેશની પ્રથમ એડવાન્સ્ડ ટેક્નોલોજીયુક્ત બાળ હૃદયરોગ હોસ્પિટલ અમદાવાદના યુ.એન. મહેતા સંકુલમાં કાર્યરત થઈ છે.

તેમણે ઓ.આર.એસ.ના શોધક અને પિડિયાટ્રિશિયન્સના માર્ગદર્શક ડો. દિલીપ મહાલનોબિસના મહત્વપૂર્ણ યોગદાનનું સ્મરણ કર્યું હતું.

આ કોન્ફરન્સના પ્રારંભ અવસરે IAP પ્રેસિડેન્ટ-૨૦૨૩ ડૉક્ટર ઉપેન્દ્ર કીંજવાડેકર, IPA પ્રેસિડેન્ટ ઇલેક્ટ ડોક્ટર નવીન ઠાકર, IPA પ્રેસિડેન્ટ પ્રોફેસર એન્વર હસનોગ્લુ, IAP પ્રેસિડેન્ટ-૨૦૨૨ ડોક્ટર રમેશકુમાર, IAP પ્રેસિડેન્ટ-૨૦૨૪ ડોક્ટર બી. વી. બસવરાજા, રિસેપ્શન કમિટી ચેરપર્સન ડોક્ટર રાજુ શાહ તેમજ ડોક્ટર ઉદય બોધનકર, IPA કોન્ગ્રેસ પ્રેસિડેન્ટ ડોક્ટર બકુલ પારેખ, ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી ડોક્ટર ચેતન ત્રિવેદી અને ડોક્ટર વિનીત સક્સેના તથા દેશ-વિદેશના પિડિયાટ્રિક ડોક્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા.