યુવતીને પતિ સાથે ઝઘડો થતા પિયરમાં રહેતી હતી: ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી

જામનગર મોર્નિંગ - જામનગર    

જામનગર શહેરમાં રહેતી યુવતીએ એક વર્ષ પહેલા જામનગરના જ યુવાન સાથે લવ મેરેજ કર્યા હતા બાદમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા યુવતી પીયર આવતા રહ્યા બાદ શુક્રવારે દિયર તથા તેના બે મિત્ર યુવતીના ઘરે સમાધાનની વાત કરવા જઈ બોલાચાલી કરી મારી નાખવાની ધમકી આપી મારામારી કરતા સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે સમગ્રે મામલે તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં આવેલ પંચેશ્વરટાવર ગોવાણની મસ્જિદ વિસ્તારમાં ભાટની આંબલી ખાતે રહેતી હર્ષાબેન ભરતભાઈ ભઠીજાણીએ શહેરમાં પટેલ કોલોની 11 નંબરમાં વ્રજમંગલ એપાર્ટમેન્ટમાં રહેતા અને શેરબજારનો ધંધો કરતા ધવલ દિનેશભાઈ સોલાણી નામના યુવાન સાથે એક વર્ષ પહેલા લવ મેરેજ કર્યા હતા. ડિસેમ્બર મહિનામાં પતિ-પત્ની દુબઈ ફરવા ગયા હતા.દુબઈમાં સ્થિત હોટલમાં પત્ની હર્ષાએ પતિ ધવલનો મોબાઈલ ફોન ચેક કરતા ધવલના અન્ય યુવતીઓ સાથે સંબંધ હોવાની જાણ થતા પતિ-પત્નિ વચ્ચે ઝઘડો થયો હતો અને હર્ષા એકલી દુબઈથી જામનગર પરત આવી પોતાના માતા-પિતાના ઘરે રહેવા ચાલી ગઇ હતી અને છેલ્લા ચાર મહિનાથી પિયરમાં જ રહેતી હતી.

જે વાતને લઈ શુક્રવારે રાત્રે ધવલનો ભાઈ યશ દિનેશભાઈ સોલાણી અને તેમના મિત્ર આશિષ રાઠોડ અને નોસાદ બ્લોચ નામના ત્રણેય શખ્સો હર્ષાના ઘરે સમાધાન કરવા અને વાતચીત કરવા આવ્યા હતા જે બાબતે બોલાચાલી થતા ત્રણેય શખ્સોએ હર્ષા તથા તેના ભાઈ વિશાલ સાથે ઝઘડો કર્યો હતો અને વિશાલે ગાળો બોલવાની ન પાડતા યશ તથા આશિષે થપ્પડનો ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને અચાનક બૂમાબૂમ થતાં પાડોશીઓ દોડી આવ્યા હતા અને શાંતિથી મામલો થાળે પાડવા કોશિશ કરી હતી. દિયર યશ અને તેના મિત્રો ધમાલ મચાવીને હર્ષાના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આક્ષેપ સાથે યુવતીનો પરિવારે સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણેય શખ્સો વિરુધ્ધ ધોરણસરની ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈપીસી કલમ 323, 504,506(2) અને 114 મુજબ ગુન્હો નોંધી પોલીસે ત્રણેય શખ્સોની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી હતી. યુવતિના પરિવાર અને પાડોશીઓએ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેતા શહેરભરમાં ચર્ચા જાગી છે.