- આખા વોંકડાની કાયમી સફાઈ કરાવવા સ્થાનિકોની માંગ -
જામ ખંભાળિયા, તા. ૨૫-૦૭-૨૦૨૩ : ખંભાળિયા શહેરના નજીક આવેલા ધરમપુર વિસ્તારમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદના કારણે વૃજધામ સોસાયટી 1 તથા વૃજધામ સોસાયટી 2 માં વ્યાપક પાણી ભરાયા હતા. અનેક રહેણાંક મકાનમાં તો બે-ત્રણ ફૂટ પાણી ભરાતા ઘરવખરીને નુકસાની થવા પામી હતી.
છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણીનો વ્યવસ્થિત નિકાલ ન થતા દર વર્ષે સર્જાતી આ વિકટ પરિસ્થિતિ સંદર્ભે સ્થાનિક તંત્ર રહીશો દ્વારા તંત્રને અવારનવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. તાજેતરમાં વૃજધામ વિસ્તારમાં ભરાયેલા આ પાણીને લીધે થતી હાલાકી અંગે અહીંના પ્રાંત અધિકારી, મામલતદાર, સહિતની ટીમ આ સ્થળે દોડી ગઈ હતી અને વરસાદી પાણીના વહેણને નડતરરૂપ બનાવવામાં આવેલી દીવાલને દૂર કરવા તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી હતી.
પરંતુ આ દીવાલને દૂર કરતા સમયે એક મહિલાએ આ દિવાલ આડે બેસી જઈ અને દબાણ હટાવનારા પણ પથ્થર ફેકતા મહિલા પોલીસ સાથે આવેલા રેવન્યુ તંત્રએ કામગીરી જારી રાખી અને દિવાલનો કેટલોક ભાગ દૂર કર્યો હતો. જેથી આ વિસ્તારમાં રહીશોને થોડી રાહત થઈ હતી. જોકે આ મકાનની આગળના ભાગમાં આવેલી દીવાલના લીધે વરસાદી વહેણમાં ભારે પૂર જેવા પાણી ન રોકાતા વૃજધામ સોસાયટી સહિતના વિસ્તારોની શેરીઓમાં પાણીનો ભરાવો જાય છે.
વર્ષો અગાઉ અહીં આશરે 21 ફૂટનો પહોળો વોંકડો હોવાનું સરકારી ચોપડે નોંધાયું હોવાનું જાણવા મળે છે. ત્યારે તંત્ર દ્વારા જમીનની યોગ્ય માપણી કરીને આ સરકારી જગ્યા પર પાણીના વહેણને નળતરરૂપ દબાણ કાયમી ધોરણે દૂર કરવા માટેની માંગ સ્થાનિક રહીશો દ્વારા લેખિત આવેદનપત્ર સાથે કરવામાં આવી છે.
છેલ્લા આશરે પાંચેક વર્ષથી દર ચોમાસે વૃજધામ સોસાયટી વિસ્તારમાં આ પરિસ્થિતિ સર્જાય છે અને અનેક મકાનમાં વરસાદી પાણી ઘૂસી જાય છે. લોકો ઘરમાંથી નીકળી ન શકે તેવી પરિસ્થિતિ પણ સર્જાતી હોય, આ મુદ્દે તંત્ર દ્વારા કાયમી નિરાકરણ લાવવા માટેની માંગ કરવામાં આવી છે.
0 Comments
Post a Comment