પિતરાઈ ભાઈ બહેન વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હોવાથી તેઓના લગ્ન થઈ શકે તેમ ન હોવાના કારણે સાથે મરવાનું પસંદ કર્યું: યુવતીની તાજેતરમાં ધ્રોલ પંથકમાં સગાઈ થઈ હોવાથી બંને સાથે જીવી નહીં શકતાં આખરે સજોડે ઝેર પી લઈ જીવ દીધો

જામનગર મોર્નિંગ - જામનગર 

તસ્વીર: સુનિલ ચુડાસમા

જામનગર તાલુકાના બજરંગપુર ગામનો કરુણા જનક કિસ્સો સામે આવ્યો છે. બે પિતરાઈ ભાઈ બહેનોએ ભરતપુર ગામમાં એક મંદિર નજીક સજોડે ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે. યુવતિની તાજેતરમાં સગાઈ થઈ હોવાથી બંને સાથે જીવી શકે તેમ ન હોવાના કારણે સાથે મરવાનું પસંદ કરી ઝેર પી લીધાનું સામે આવ્યું છે. જેથી નાના એવા બજરંગપુર ગામમાં ભારે અરેરાટી ફેલાઇ છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના બજરંગપુર ગામમાં રહેતા અજય ભુપતભાઈ સવાસડીયા નામના ૨૬ વર્ષના યુવાન તથા તેની જ પિતરાઈ બહેન સુધાબેન કાનજીભાઈ સવાસડીયા (ઉંમર વર્ષ ૧૯) કે જેઓ ગુરુવારે રાત્રે આઠેક વાગ્યાના અરસામાં ભરતપુર ગામમાં ડેમ નજીક આવેલા એક મંદિર પાસે જાહેરમાં જગ્યામાં બેશુદ્ધ અવસ્થામાં મળી આવ્યા હતા, અને બંનેએ ઝેર પીધું  હોવાથી તેઓના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા. આ બનાવની જાણ થતાં પંચકોશી એ ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ રાઠોડ અને તેમની ટીમ વગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા, અને બંને મૃતદેહોનો કબજો સંભાળી જામનગરની હોસ્પિટલમાં લઈ આવ્યા પછી તેઓના પોસ્ટમોર્ટમ કરાવવા આવ્યા છે, અને મૃતદેહો તેમના સ્વજનને પહોંચાડી દેવાયા છે. સમગ્ર બનાવના મામલામાં મૃતક સુધાબેનના પિતા કાનજીભાઈ છગનભાઈ સવાસડીયા કે જેનું પોલીસે નિવેદન નોંધ્યું હતું, તેમાં બંને પિતરાઈ ભાઈ-બહેનો થતા હોવાનું અને બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાના કારણે સાથે જીવી શકે તેમ ન હોવાથી અને લગ્ન જીવન શક્ય ન હોવાથી આ પગલું ભરી લીધા નું જાહેર કરાયું હતું.

સુધાબેન તેના પિતા કાનજીભાઈ સાથે બજરંગપુરમાં રહેતી હતી અને તેનો જ પિતરાઈ ભાઈ અજય ભુપતભાઈ કેજે ના પિતાનું અવસાન થઈ ગયું છે, અને માતા જામનગરમાં હાઉસિંગ બોર્ડની કોલોનીમાં રહે છે. જ્યારે અજય પોતાના કાકા કાનજીભાઈના ઘરમાં જ રહેતો હતો, અને કાનજીભાઈની પુત્રી સુધાબેન કે જે પોતાની પિતરાઈ બહેન થાય છે જે બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો. પરંતુ આજથી ત્રણેક મહિના પહેલા સુધાબેનનું સગપણ ધ્રોલ તાલુકાના કરંભડી ગામમાં કરી દેવાયું હતું, જેથી બંને હવે સાથે જીવી શકે તેમ ન હોવાથી સાથે જ મૃત્યુને અપનાવી લેવાનો મનસુબો ઘડી કાઢ્યો હતો, અને ગુરુવારે સાંજે પોતાના ઘેરથી નીકળી ગયા પછી ભરતપુર ગામમાં જઈ સાથે ઝેર પી લઇ મોતની સોડ તાણી છે. સમગ્ર બનાવના મામલે આ નાના એવા બજરંગપુર ગામમાં ભારે ચર્ચા જાગી છે. 











.