જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરમાં જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડ સંચાલિત સ્કૂલના પટાવાળા અને પટણી જમાતના સેક્રેટરીએ અન્ય ટ્રસ્ટીઓના અપમાનજનક વર્તનના કારણે ઝેરી દવા પી લઇ આપઘાત નો પ્રયાસ કરતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ બનાવને લઈને પટણી જમાતમાં ભારે હલચલ મચી ગઈ છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરના જુમ્મા મસ્જીદ ટ્રસ્ટ બોર્ડ સંચાલિત કન્યાશાળાના પટાવાળા તરીકે ફરજ બજાવતા પટણી સમાજના છેલ્લા ૨૫ વર્ષથી સેક્રેટરી પદે રહેલા મોહમ્મદ યુસુફ પંજાએ જમાતના અન્ય ટ્રસ્ટીઓના અપમાનજનક વર્તનના કારણે ઝેરી પ્રવાહી પી લેતા તેઓને સારવાર માટે જામનગરની જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે સમયસર તબીબી સારવાર મળી ગઈ હોવાથી તેઓની તબિયતમાં સુધારો છે. આ બનાવની જાણ થતાં પટણી જમાતના અન્ય અગ્રણીની હોદ્દેદારો જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને ચિંતા વ્યક્ત કરી હતી, તાજેતરમાં જ જુમ્મા મસ્જીદ ટ્રસ્ટ બોર્ડ સંચાલિત કન્યાશાળાના વિદ્યાર્થીઓને ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવો પડી રહ્યો છે, તેવા અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ કેટલાક ટ્રસ્ટીઓએ અપમાનજનક વર્તન કર્યું હતું, અને જાહેરમાં માફી મંગાવી હતી, જેનો સોશિયલ મીડિયામાં વીડિયો પણ વાયરલ થયો હતો. બાદમાં સેક્રેટરીએ ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે પોલીસ દ્વારા પણ તપાસ ચલાવવામાં આવી રહી છે.
0 Comments
Post a Comment