ખંભાળિયાના કથિત પત્રકાર સહિતની ચાર શખ્સોની ટોળકી એ અપહરણ કરી બળજબરીપૂર્વક પૈસાની માંગણી કર્યા ની ફરિયાદ

જામનગર મોર્નિંગ - જામનગર


જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપળીના એક યુવાનને તું દેશી દારૂનું વેચાણ કરે છે, તેમ જણાવી પૈસા પડાવી લેવાના ઇરાદે અપહરણ કરી જઇ મારકુટ કરવા અંગે ખંભાળીયાના એક કથિત પત્રકાર સહિત ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાવાતાં ચકચાર જાગી છે. લાલપુર પોલીસ ચારેય આરોપીઓને શોધી રહી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપળી ગામમાં રહેતા ભોળાભાઈ ઉર્ફે ભોલુ રામદેવભાઈ ગોદાણી નામના ૩૩ વર્ષના માલધારી ચારણ યુવાનને ગઈકાલે બપોરે ૩.૩૦ વાગ્યાના અરસામાં ખંભાળિયા ના દર્પણ ન્યુઝ નામના કહેવાતા પત્રકાર પ્રવીણ કરસનભાઈ પરમાર તેમજ તેની સાથેના સોમાભાઈ પેથાભાઇ મહેશ્વરી, ઉપરાંત કલ્યાણપુર તાલુકાના ખીજદડ ગામના દિવ્યરાજસિંહ જાડેજા અને જામનગર તાલુકાના સિક્કા ગામના મુન્નો કેશુભાઈ સિંધવ કે જે ચારેય શખ્સોએ આવીને ભોળાભાઈને બળજબરીપૂર્વક ઇકો કારમાં બેસાડી દીધા હતા, અને તેનું અપહરણ કરી જામનગર તરફ લઈ આવ્યા હતા.

ત્યાર બાદ તેને ચાલુ કારમાં પ્રવાહી ભરેલી પ્લાસ્ટિકની કોથળીઓ પકડાવી દઇ તું દેશી દારૂનું વેચાણ કરે છે, અને કોને કોને હપ્તા આપે છે, તે અંગેના સવાલ જવાબ સહિતનો વિડીયો બનાવી લીધો હતો, અને પૈસા પડાવવા માટે દબાણ કર્યું હતું. તારે દારૂનો ધંધો ચાલુ રાખવો હોય તો અમને ૧૦,૦૦૦ રૂપિયા આપવા પડશે તેવી માંગણી કરી ભોળાભાઈને ચાલુ કારમાં મારકુટ કરવામાં આવી હતી, ત્યારબાદ તેને જામનગર તરફ લઈ ગયા પછી કારમાંથી ઉતારી ગઈ તમામ શખ્સો ભાગી છૂટ્યા હતા. જે સમગ્ર મામલાને લાલપુર પોલીસમાં લઈ જવામાં આવ્યો હતો. જેથી લાલપુરના પીએસઆઇ એમ. એન. જાડેજા એ ભોળાભાઈ ચારણી ફરિયાદના આધારે ખંભાળિયાના પ્રવીણ પરમાર સહિતના ચાર શખ્સો સામે આઇપીસી કલમ ૩૨૩, ૩૬૫, ૩૮૫, ૧૧૪ અને ૫૦૪ મુજબ ગુન્હો નોંધ્યો છે. જે ચારેય આરોપીઓ હાલ ભાગી છુટયા હોવાથી પોલીસ તેઓને શોધી રહી છે.

ચારેય શખ્સો દ્વારા ચારણ યુવાનને દારૂની કોથળી પકડાવીને કબુલાત અંગે નો વિડીયો વાયરલ થયો

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપળી ગામના ભોળાભાઈ ચારણ નામના માલધારી યુવાનનું ઇકો કારમાં અપહરણ કરાયું હતું, અને ત્યારબાદ તેને ચાલુ કારમાં હાથમાં પ્રવાહી ભરેલી બે કોથળી પકડાવી હતી, અને કેટલીક રકમના હપ્તા અંગેના સવાલ જવાબ કરાયા હતા. પોતે કેટલા સમયથી દારૂનો ધંધો કરે છે, વગેરે પ્રશ્નો સાથેનો વિડીયો બનાવવામાં આવ્યો હતો. જે વિડિયો લીક થયો હતો, અને વાયરલ થયો હતો. જે ખાસ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.