જામનગર મોર્નિંગ - જામનગર 

તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનના પુત્ર ઉધયનિધિ સ્ટાલિને 'સનાતન ધર્મ'ની સરખામણી ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા ચેપી રોગો સાથે કરી હતી. સનાતન ધર્મને લઈને ઉદયનિધિના આ નિવેદનથી હવે ખળભળાટ મચી ગયો છે. ઉદયનિધિના આ નિવેદન પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આકરો જવાબ આપ્યો છે.

રાજસ્થાનના ડુંગરપુરમાં પરિવર્તન સંકલ્પ યાત્રાને સંબોધતા ગૃહમંત્રી શાહે કહ્યું કે, છેલ્લા બે દિવસથી I.N.D.I.A ગઠબંધન 'સનાતન ધર્મ'ને અપમાનિત કરી રહ્યું છે. ડીએમકે અને કોંગ્રેસના નેતાઓ માત્ર વોટબેંકની રાજનીતિ માટે 'સનાતન ધર્મ'ને સમાપ્ત કરવાની વાત કરી રહ્યા છે. અમિત શાહે વધુમાં કહ્યું કે, “આ પહેલીવાર નથી કે તેમણે આપણા 'સનાતન ધર્મ'નું અપમાન કર્યું હોય. ગૃહમંત્રી શાહે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિવેદનને યાદ કરાવ્યું અને કહ્યું કે, આ પહેલા મનમોહન સિંહે પણ કહ્યું હતું કે બજેટ પર પ્રથમ અધિકાર લઘુમતીઓનો છે, પણ અમે કહીએ છીએ કે પહેલો અધિકાર ગરીબો, આદિવાસીઓ, દલિતો અને પછાત વર્ગના લોકોનો છે. આજે કોંગ્રેસ પાર્ટી કહે છે કે, જો મોદીજી જીતશે તો સનાતન રાજ કરશે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હિંદુ સંગઠન લશ્કર-એ-તૈયબા કરતાં વધુ ખતરનાક છે. 

ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસની યુપીએ સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, કોંગ્રેસ અને યુપીએ સરકાર પર 12 લાખ કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારનો આરોપ છે. સાથે જ મનમાં અહંકાર અને ઘમંડ છે કે માત્ર ગાંધી પરિવાર જ દેશ પર રાજ કરી શકે છે. અને મોદી તો ગરીબ માતાનો અને ચા વેચવાવાળાનો ગરીબ પુત્ર છે. આ લોકો સહન કરી શકતા નથી. શાહે કહ્યું કે, યુપીએ સરકારે છેલ્લા દસ વર્ષમાં રાજસ્થાનના લોકોને શું આપ્યુ? 10 વર્ષમાં રાજ્ય સરકારે રાજસ્થાનને માત્ર 1 લાખ 60 હજાર કરોડ રૂપિયા આપ્યા છે, જ્યારે 9 વર્ષમાં મોદી સરકારે રાજસ્થાનને 8 લાખ 71 હજાર કરોડ રૂપિયા આપ્યા છે.